- લગ્ન જીવનના વિવાદોમાં નોંધપાત્ર વધારાના પરિણામે કાયદાના દુરૂપયોગની વૃત્તિ વધી: અદાલતનું અવલોકન
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દહેજધારાના દુરુપયોગ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, સાસરિયાઓને ત્રાસ આપવા દહેજધારાનો ગેરઉપયોગ બંધ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, ચોક્કસ આરોપ વિનાની કોઈપણ ફરિયાદને અંકુશમાં લેવાની અત્યંત જરૂરિયાત ઉભી થઇ છે.
જસ્ટિસ બી વી નાગરથના અને એન કોટીશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, આવા કેસોમાં અસ્પષ્ટ આરોપોના આધારે ફોજદારી કાર્યવાહીને મંજૂરી આપવી જોઈએ નહીં. વૈવાહિક વિવાદમાંથી ઉદ્ભવતા ફોજદારી કેસમાં પરિવારના સભ્યોના નામોનો માત્ર સંદર્ભ, તેમની સક્રિય સંડોવણી દર્શાવતા ચોક્કસ આરોપો વિનાની ફરિયાદમાં ઘટાડો થવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, આ એક હકીકત બની ગઈ છે કે, અનેક કિસ્સાઓમાં જ્યારે લગ્ન સંબંધી તકરારમાંથી ઘરેલું ઝઘડો થાય છે ત્યારે પતિના પરિવારના તમામ સભ્યોને ફસાવી દેવાની વૃત્તિ હોય છે. આવી ફરિયાદમાં નક્કર પુરાવાઓ અથવા વિશિષ્ટ આરોપો દ્વારા અસમર્થિત વ્યાપક આરોપો ફોજદારી કાર્યવાહી માટે આધાર બનાવી શકતા નથી.
અદાલતે જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવા અને નિર્દોષ પરિવારના સભ્યોને બિનજરૂરી હેરાનગતિ ટાળવા માટે અદાલતોએ આવા કેસોમાં સાવચેતી રાખવી જોઈએ.
સુધારા દ્વારા આઈપીસીની કલમ 498એનો સમાવેશ એક મહિલા પર તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ગુજરવામાં આવતા ત્રાસને રોકવા માટે રાજ્ય દ્વારા ઝડપી હસ્તક્ષેપને સુનિશ્ચિત કરવાનો હતો. જો કે તાજેતરના વર્ષોમાં લગ્ન જીવનના વિવાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. લગ્ન સંસ્થાની અંદર વધતા વિખવાદના પરિણામે દુરુપયોગની વૃત્તિ વધી રહી છે.
સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, આ અવલોકનનો એવો મતલબ નથી કે, સાસરિયાની ક્રૂરતાનો ભોગ બનેલી મહિલાએ ચૂપ રહેવું જોઈએ અને ફરિયાદ કરવા અથવા કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાથી પોતાને દૂર રાખવું જોઈએ પરંતુ કોર્ટે અસ્પષ્ટ આરોપો પર કાર્યવાહી કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.