- ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્ર્વત દિવસ ઉજવાયો
- લાંચ રૂશ્વત માત્ર એક શબ્દ નહીં, પરંતુ વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે: હર્ષ સંઘવી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે.
આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે.
મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
ભ્રષ્ટાચાર – લાંચરુશ્વતની બદી સામે અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરનારા રુશ્વત માંગનારા અધિકારીઓ – કર્મચારીઓને જબ્બે કરવામાં એસીબીને સહાયક બનેલા સામાન્ય નાગરિકો એવા 10 જેટલા ફરિયાદીઓનું કેર અંતર્ગત સન્માન પણ મુખ્યમંત્રીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં કર્યું હતું.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા, સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો, સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. આ કેર પ્રોગ્રામ અન્વયે 1864 ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, આવા ફરિયાદીઓ પાસેથી મળેલા 175 સૂચનો અને 72 જેટલી રજૂઆતો મેળવીને 23 જેટલા કેસમાં નિરાકરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો એક વ્યક્તિ કેવા સારા પરિણામો લાવી શકે તેનું દેશ સમક્ષ આ એક મોટું ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે એન્ટીકરપ્શન બ્યુરોના રાજ્યભરના અધિકારીઓ – કર્મચારીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે.
મુખ્યમંત્રીએ ધર્મ અને કર્મનો મર્મ સચોટતાથી સમજાવતા કહ્યું કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સંપ્રદાય બધામાં નકારાત્મકતાથી બહાર આવી પોઝિટિવિટીથી જીવન જીવવાની વાત કહી છે. નિજાનંદમાં અને સુખમાં રહેવું હોય તો નૈતિકતા પૂર્ણ આચરણ વ્યવહારને એવી રીતે અપનાવીએ કે રાત્રે નિરાંતની નિંદ્રા લઈ શકાય એમ પણ તેમણે ફરજનિષ્ઠા, કર્તવ્યપાલનમાં નૈતિકતાનો સંદર્ભ આપતા ઉમેર્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે.
એસીબીની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે, સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાની કાર્ય એસીબી કરી રહી છે. એસીબી સુધી ફરિયાદ કરવા પહોંચેલો પ્રત્યેક નાગરિક અનેક પીડાઓ સહન કર્યા બાદ ચોક્કસ વિશ્વાસ સાથે એસીબી સુધી પહોંચતો હોય છે. ત્યારે તેના વિશ્વાસ અને મનોબળને વધુ મજબૂત બનાવવા કોઈ પણ ભેદભાવ વિના કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. જેને ગુજરાત એસીબીની ટીમ નિષ્ઠાપૂર્વક કરી રહી છે.
ગુજરાતની શાળાઓમાં એ.સી.બી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થી- વિધાર્થીનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધના કેસો કોર્ટમાં લડીને ફરિયાદીને ન્યાય અપાવનારા સરકારી વકીલ તથા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સારી કામગીરી કરનારા એ.સી.બીના અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, વિઝલન્સ કમિશનર સંગીતા સિંઘ, એન.એફ.એસ.યુના વાઇસ ચાન્સેલર ડો.જે.એમ.વ્યાસ તેમજ ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ, વિધાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.