સુરત: નવી સિવિલ હોસ્પિટલ ખાતે સાયબર સુરક્ષા અને જાતિગત સમાનતા વિષય પર સેમિનાર યોજાયો હતો. સાયબર ફ્રોડરો ‘ડિજિટલ એરેસ્ટ’નું નામ આપી છેતરપિંડી કરે છે. સાયબર અપરાધીઓથી ડરવું નહી, લાલચમાં આવવું નહી અને ઉતાવળ કરવી નહી તેવું ક્રાઇમબ્રાંચના એસીપી મિની જોસેફ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડ અંગે તાત્કાલિક 1930-ટોલ ફ્રી નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશન સંપર્ક કરવો, સાયબર સંજીવનની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ કચેરી-સુરત, સરકારી નર્સિંગ કોલેજ અને મહિલા સેલ ક્રાઈમબ્રાંચ-સુરત દ્વારા જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત, સરકારી નર્સિંગ કોલેજ અને મહિલા સેલ ક્રાઈમ બ્રાંચ-સુરતના સંયુક્ત ઉપક્રમે International Day For The Elimination Of Violence Against Women ની થીમ પર નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સાયબર સુરક્ષા અને જાતિગત સમાનતા વિષય પર જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો, જેમાં સાયબર ક્રાઇમ, જેન્ડર ઈક્વાલિટી, મહિલાલક્ષી યોજનાઓ, મહિલા-બાળકો માટેના વિવિધ કાયદાઓની જાણકારી અપાઈ હતી. સેમિનારમાં મહિલા સેલ, ક્રાઇમબ્રાંચના એસીપી મિની જોસેફે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ વિષે સમજ આપી કહ્યું હતું કે, સાયબર ફ્રોડરો ‘ડિજિટલ એરેસ્ટ’નું નામ આપી છેતરપિંડી કરે છે, ડિજીટલ એરેસ્ટ જેવો કોઈ કાયદો જ નથી.
સોશિયલ મીડિયાનો સુરક્ષા સાથે ઉપયોગ કરવા જણાવી સોશિયલ મીડિયા મારફતે બ્લેકમેલિંગ, ફ્રોડ, ક્રાઈમ કરે ત્યારે તેના તાબે ન થઇને તાત્કાલિક 1930-ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવવા અને અન્ય ભોગ બનનારને જાગૃત્ત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ, તેના પ્રકારો, તેમજ તેની અટકાયત કે ઉપાય અંગે ઉપયોગી જાણકારી આપી હતી. વધુમાં જોસેફે ઉમેર્યું કે, સાયબર ફ્રોડરોથી ડરવું નહી, લાલચમાં આવવું નહી અને ઉતાવળ કરવી નહી. સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે કામકાજ કરતી મહિલાઓને શારીરિક, માનસિક કે જાતીય શોષણ સામે રક્ષણ આપતા પ્રતિબંધ, અટકાયત કે નિવારણ અંગેના કાયદા હેઠળ POSH ACTની ચર્ચા કરી હતી. તેમજ કાર્ય સ્થળે થયેલી મહિલા સતામણી વિરુધ્ધ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અને ઘરેલું હિંસા, છેડતી, જાતીય સતામણીના બનાવોમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી આર.એન.ગામીતે જણાવ્યું હતું તે, હિંસાના દુષણને ડામવા માટે દર વર્ષે તા.25/11/2024 થી તા.10/12/2024 સુધી મહિલાલક્ષી હિંસા સામે જનજાગૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા અને પ્રોત્સાહિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સ્મિતા પટેલે સમાજમાં સ્ત્રી-પુરૂષ અને થર્ડ જેન્ડર વિશે રહેલી ગેર સમજણથી દૂર રહેવા જણાવી કહ્યું કે, દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો અને પરિવારની ધરોહર સંભવ નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબધોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. મહિલા જ અન્ય જીવને જન્મ આપી શકે છે. દીકરીઓને અભ્યાસમાં, ગર્ભમાં રહેલ બાળકથી બાળકના જન્મ સુધી સ્ત્રીઓ સાથે થતી સતામણી અને સ્ત્રીઓ કમાઉ હોય તો પણ તેને પરિવાર પર નિર્ભર રહેવું પડતું હોય છે, ત્યારે સમાજે સાચા અર્થમાં સ્ત્રીઓ પ્રત્યે સમાનતાભાવ રાખવો પડશે.
સ્મિતા પટેલે સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા સહાય યોજના, વિધવા પુન: લગ્ન સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નારી સંરક્ષણ ગૃહ, PBSC સેન્ટર સહિતની મહિલાલક્ષી યોજનાઓ-પહેલો વિશે જાણકારી આપી બહુઆયામી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સિવિલના બાળરોગ વિભાગના વડા અને ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જિગીષા પાટડિયાએ સારા વિચારો હંમેશા સમાજના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, નર્સ અને નર્સિંગ વિદ્યાર્થીઓને સમાજ, દર્દીઓ અને તબીબોને જોડતી કડીરૂપ છે. પ્રત્યેક નર્સિંગ વિધાર્થીઓએ સંકલ્પ કરીને ઓછામાં ઓછા અન્ય ત્રણ વ્યક્તિઓને સાયબર ક્રાઈમ વિશે સમજણ આપીને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ઈન્દ્રાવતી રાવે સાયબર ક્રાઇમ વધ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાના યુગમાં બાળકોને મોબાઈલના દુષણથી દૂર રહેવા તેમજ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહેશ પરમારે સાયબર સુરક્ષા અનેજાતિગત સમાનતા સેમીનારનું સફળ સંચાલન કર્યું હતું. સૌએ ઘરેલું હિસા અને ‘બેટી બચાવો અને બેટી પઢાઓ’ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી. સાયબર સંજીવનીની Women Safety Begin At Homeની જાગૃતિ દર્શાવતી શોર્ટ વિડિયો ક્લિપ્સ અને સાયબર ફ્રોડ વિષેના નુક્કડ નાટકે સૌએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી કે.વી.લકુમ, નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સ્મિતલ ચૌધરી, પીબીએસસીના કર્મચારીઓ, નર્સિંગ કોલેજના પ્રાધ્યાપકો- વિદ્યાર્થીઓ સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.