- મકાનમાં રૂ. 23 લાખ 31 હજારની બેન્કની લોન હતી તે બાબતે વિવાદ થયાનો આક્ષેપ
- આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
જામનગર શહેરના 100 કરોડ જમીન કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધાક-ધમકી આપતા વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મકાનમાં રૂ. 23 લાખ 31 હજારની બેન્કની લોન હતી જે બાબતે વિવાદ થયો હોવાના આક્ષેપો કરાયા હતા. તેમજ વ્યાજે વેપારીએ રૂપિયા 7 લાખના 15.20 લાખ ચુકવ્યા છતાં વધુ રૂપિયા 30 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા વેપારી ધનશ્યામ ચોવટીયાએ કંટાળીને ગત તારીખ 3ના રોજ મોખાણા ગામ પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સુધારતા ગતરાત્રીના દોઢ વાગ્યે પોલીસે ધર્મેશ રાણપરીયા સામે ફરિયાદ નોંધી હતી. જે અંગે ASI એન.કે.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના 100 કરોડ જમીન કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધાક-ધમકી આપતા વેપારીએ ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ રૂપિયા 7 લાખના 15.20 લાખ ચુકવ્યા છતાં વધુ રૂપિયા 30 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભુમાફીયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા પાસેથી શહેરના રણજીતસાગર રોડ ઉપર સેટેલાઈટ પાર્ક શેરીનં-5માં રહેતા 42 વર્ષીય ધનશ્યામભાઈ જમનભાઈ ચોવટીયા નામના વેપારીએ દોઢેક વર્ષ પહેલા 8 લાખ દશ ટકા વ્યાજે લીધા હતાં. વ્યાજ પેટે વેપારીએ 7.20 લાખ અને મુદલ 8 લાખ રોકડા મળીને કુલ 15.20 લાખ ચુકવી દીધા હતાં. જે બાદ વેપારીએ મયુર ટાઉનશીપમાં આવેલ પોતાનું મકાન રમેશભાઈ ગોરસીયા થકી વેચાણ કર્યુ હતું. મકાનમાં રૂ. 23 લાખ 31 હજારની બેન્કની લોન હોય જે બાબતે વિવાદ થયો હતો.
જેમાં આરોપી ધર્મેશભાઈ રાણપરીયાએ સમાધાન કરાવીને વેપારી પાસેથી 6 કોરા ચેક અને રોકડા 8 લાખ લીધા હતાં. તેમ છતાં આરોપી ધર્મેશ રાણપરીયાએ વ્યાજના બાકી રૂપિયા અને રમેશભાઈ સાથે કરાવેલ સમાધાનના મળીને કુલ 30 લાખની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી વેપારી ધનશ્યામભાઈ ચોવટીયાએ કંટાળીને ગત તારીખ 3ના રોજ મોખાણા ગામ પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સુધારા પર હોય અને ગતરાત્રીના દોઢ વાગ્યે પોલીસે ધર્મેશ રાણપરીયા સામે આક્ષેપો કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે અને ASI એન. કે. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: સાગર સંઘાણી