ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–2024 માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. વઘઇ કૃષિ યુવિનર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ વિવિધ વિષયો પર ખેડુતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું. સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકા મથકે તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગમા યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-2024મા આહવા તાલુકામાં કુલ 1071, વઘઇમા તાલુકામાં કુલ 1098 અને સુબીરમાં તાલુકામાં કુલ 1120 ખેડુતોએ ભાગ લીધો હતો.
આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે જ ખેડૂતોએ પણ તેઓને મુંઝવતા પ્રશ્નોનું આદાન-પ્રદાન કરી જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો પાસેથી મેળવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવ-2024નો મુખ્ય હેતુ ખેડૂતોમાં રવિ પાક માટેની નવી ટેકનોલોજી, પાક ઉત્પાદન અને સક્ષમ ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવા અને તેઓને માર્ગદર્શન પૂરૂં પાડવાનો છે.
આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતોએ રવિ પાક માટે યોગ્ય ખાતર, બિયારણ અને ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે ખેતી માટે વિવિધ સહાય યોજનાઓની જાણકારી અને સરકાર દ્વારા મળતી સહાય વિશે વિગતવાર ચર્ચા સાથે નવી તકનીક વિશે સમજણ આપવા સાથે ખેતીને વધુ ફાયદાકારક બનાવવા અંગે પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં યોજાયલ કૃષિ મહોત્સવમાં ખેતીવાડી શાખા દ્વારા વિવિધ યોજનાઓ વિશે અને મિલેટ્સ પાકોની માહિતી આપતો સ્ટોલ, બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશેનો સ્ટોલ, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેડૂતોના મિલેટ્સની પ્રોડક્ટ્સના અલગ અલગ સ્ટોલ, ફાર્મરરજીસ્ટ્રી અંતર્ગતસ્ટોલ, આયુર્વેદિક શાખાનો આયુર્વેદને લાગતો સ્ટોલ તેમજ સખી મંડળની વિવિધ પ્રોડક્ટ્સ અને કૃષિ યાંત્રિકીકરણના સ્ટોલ સહિતના વિવિધ 12 થી વધુ સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનો ખેડુતોએ મોટી સંખ્યામાં લાભ લઇ વિવિધ સ્ટોલ પરથી ખેતી વિષયક તેમજ અન્ય યોજનાકીય જાણકારી મેળવી હતી. –