- બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય તેમ છે. જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા રાજકોટમાં મૌન રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40 હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી 17 હજાર અર્બન વિસ્તારમાં અને 23 હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઇ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે.
વાંધા અરજીનો અભ્યાસ કર્યા બાદ સરકારને રજૂઆત પહોંચાડાશે: કલેકટર
અબતક સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જંત્રી દરમાં વધારાની રજૂઆતો મળી રહી છે. સરકારમાં પણ રજુઆત ધ્યાનમાં રાખી ઓફલાઈન વાંધા અરજી સ્વીકારવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં અત્યાર સુધી 150 જેટલી વાંધા અરજી મળી છે જેનો અભ્યાસ કમિટી દ્વારા કરવામાં આવશે. જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં કમિટી અભ્યાસ કરી સરકાર સુધી વાંધા અરજી અંગે રજુઆત પહોંચાડવામાં આવશે.
રાજકોટ બિલ્ડર્સ એસો.ની માંગ
- (1) હાલમાં વાંધા સુચન રજુ કરવા અંગે જાહેર કરેલ અંતિમ તારીખ લંબાવીને તા. 31-03-2025 કરવામાં આવે.
- (ર) રાજયના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ઘ્યાને લઇને સાયન્ટિફીક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજુ કરવાની તક આપવામાં આવે.
(3) સુચિત જંત્રીમાં દર્શાવેલ બે ગામ કે બે ઝોન કે બે સર્વે નંબરને અડીને આવતી અલગ અલગ ગામ, ઝોન કે સર્વે નંબર ની જમીનો અંગે દર્શાવેલ સુચિત દરમાં ખુબ જ અસમાનતા છે. આથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરવા જોઇએ. જેથી આવા અસામાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરુપ વાસ્તવિક દર મેળવી શકાય. આમ રાજયના વિશાળ હિતમાં જન પ્રતિનિધિઓના સુચનો મેળવીને ત્યારબાદ સુચિત જંત્રીના દરમાં કરેલ સુધારા અંગે દરેક પાસાઓનો તલ સ્પર્શી અભ્યાસ કરવા અને જાહેર અભિપ્રાય મેળવીને ત્યારબાદ અમલ પ્રજાને ભારુરપ ના બને તે મુજબ આનુસંગિક સુધારા કરવામાં આવે એવી રજુઆત છે.
જંત્રી વધારો હાલ પૂરતો સ્થગિત કરો: પરેશ ગજેરા
અબતક સાથેની વાતચીતમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, અમારી એટલી જ માંગ છે કે જંત્રી વધારો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે. વાંધા અરજી કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે. ત્યારબાદ બિલ્ડરોને સાંભળીને જંત્રી વધારો કરવામાં આવે. 200 થી 2000 ટકા સુધીનો જંત્રી વધારો કરવામાં આવ્યો છે. નવી જૂની શરત પ્રમાણે 40% પૈસા ભરવા પાત્ર છે. બાંધકામ ઉદ્યોગમાં છેલ્લા સાત મહિનાથી પ્લાન મંજૂરી, કમ્પ્લીસન, પરમિશન મંજૂર નથી થતા.જો જંત્રી વધારો કરવામાં આવે તો રાજકોટમાં બાંધકામ ઉદ્યોગ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. જંત્રીદર વધવાથી ફ્લેટ કે મકાન ઘારકને 20 થી 30 ટકાનો ભાવ વધારો આવશે. સામાન્ય જનતાને જંત્રી નો ભાવ વધારો સહન કરવો પડશે.