- સ્માર્ટ સિટી સહિત રૂ.569 કરોડના અલગ-અલગ ચાર કામોનું લોકાર્પણ અને રૂ.224 કરોડના પાંચ કામોનું કરાશે ખાતમુહુર્ત: 1220 આવાસોની ડ્રો થકી ફાળવણી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી શુક્રવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે કોર્પોરેશનના 793.45 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત 22 નવી સીએનજી બસ તથા ડ્રેનેજ વિભાગ માટે ખરીદવામાં આવેલા સાત જેટીંગ મશીન વાહનોને પણ ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા 1010 આવાસ અને રૂડાના ઇડબલ્યૂએસ-2 કેટેગરીના 210 ખાલી આવાસોનો ડ્રો પણ કરવામાં આવશે. તેવી સત્તાવાર ઘોષણા આજે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે બપોરે 12:00 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ડાયસ ફંક્શન યોજાશે. જેમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડિયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશ દેથરિયા, વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અશ્ર્વિન પાંભર અને આવાસ કમિટીના ચેરમેન નીતિન રામાણીએ જણાવ્યું હતું કે આગામી શુક્રવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કોર્પોરેશનના રૂ.569.19 કરોડના ચાર વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ટીપી સ્કિમ નં.32 (રૈયા) વિસ્તારમાં એબીડી હેઠળ નિર્માણ પામેલા રૂ.565 કરોડના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સહિત કુલ ચાર કામનો સમાવેશ થાય છે. સિટી બસ સેવાના નવા રૂટ શરૂ કરવા અને ટ્રાફિક વાળા રૂટ પર બસોની સુવિધા વધારવા માટે 22 નવી સીએનજી બસનું પણ લોકાર્પણ કરાશે. આ ઉપરાંત ડ્રેનેજ વિભાગ માટે ખરીદવામાં આવેલા સાત જેટીંગ મશીનને પણ ફ્લેગ ઓફ આપશે. જ્યારે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ કેન્ટીનના બિલ્ડીંગના રિનોવેશનનું કામ પુરૂં થતાં તેનું પણ લોકાર્પણ કરાશે.
જ્યારે બાંધકામ વિભાગના રૂ.67 કરોડના 26 કામ, ડ્રેનેજ નેટવર્કના રૂ.44.50 કરોડના સાત કામ, વોટર વર્ક્સ નેટવર્કના રૂ.24 કરોડના 6 કામ, ડામર કામ, ડીવાઇડર, સેન્ટ્રલ લાઇટીંગ સહિતના રૂ.83 કરોડના 15 કામ અને સાધન ખરીદીના રૂ.5 કરોડના બે કામોનું ખાતમુહુર્ત કરાશે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 બીએચકેના 1010 આવાસોનો ડ્રો કરાશે. જ્યારે રૂડાના ઇડબલ્યૂએસ-2 કેટેગરીના ખાલી 210 આવાસોનો પણ ડ્રો કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.