- ટ્રેન દુર્ઘટના રોકવા અત્યાધુનિક ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ લગાવાઇ
- સ્ટેશન માસ્ટરે ફક્ત મોનિટરિંગ જ કરવાનું રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં હવે ટ્રેન દુર્ઘટના રોકવા માટે અત્યાધુનિક ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેનાથી ટ્રેનમાં સવાર કરતા મુસાફરોને સુરક્ષા પુરી પાડી શકાશે. ત્યારે હાલ સાબરમતી-કલોલ અને સાબરમતી-ચાંદલોડિયા, કાલુપુર-અમદાવાદ વચ્ચે આ સિસ્ટમ લગાવવામાં આવી છે.
અમદાવાદ-પાલનપુર રેલ્વે વિભાગનો સાબરમતી-કલોલ વિભાગ એ એક ઉચ્ચ-ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો મુખ્ય રેલ માર્ગ પણ છે અને સાબરમતી-ચાંદલોડિયા વિભાગ જે અમદાવાદ-વિરમગામ રેલ્વે વિભાગનો ભાગ છે તે એક મુખ્ય રેલ માર્ગ છે. કચ્છ જિલ્લાને પણ જોડતો માર્ગ તે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત પ્રદેશના ઘણા ઔદ્યોગિક વિસ્તારોને પણ જોડે છે.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમએ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી સિસ્ટમ છે. તેમજ આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે.
ટ્રેન દુર્ઘટના અટકશે
પહેલા સ્ટેશને ટ્રેન આવે ત્યારે સ્ટેશન માસ્ટરે ફોન કરીને તમામ ટ્રેનોને જાણ કરવાનું, તેનું લોકેશન ક્યાં છે, તે જોવાનું અને બે ટ્રેનો એક ટ્રેક પર ન આવી જાય અથવા એક ટ્રેક પર ઉભેલી ટ્રેનને પાછળથી આવતી ટ્રેન અથડાઇ ન જાય તે જોવાની મેન્યુઅલી અને માથાકુટવાળી અને હજારો મુસાફરોના જીવના જાખમને ધ્યાને રાખીને થતી કામગીરી કરવાની રહેતી હતી. આ દરમિયાન હવે રેલવે સ્ટેશન માસ્ટરને આ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સ્ટેશન માસ્ટરે ફક્ત મોનિટરિંગ જ કરવાનું રહેશે કે રેડ અથવા બ્લુ સિગ્નલ આપવું કે નહીં, અને આપવું તો ક્યારે આપવું તે નક્કી આ પ્રણાલી જાતે જ કરાશે. તેમજ બિનજરૂરીપણે કલાકો સુધી ટ્રેનોને ટ્રેક પર ઉભી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ દરમિયાન ખાસ તો મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂતી મળશે તેવો દાવો રેલવેના અધિકારીઓ કરી રહ્યા છે.