Ahmedabad: પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રીક્ષા ચોર ગેંગને ઝડપી પાડી હતી. તેમજ આ ગેંગ દ્વારા સિવિલ હોસ્પિટલમાંથી 5 રીક્ષાની ચોરી કરવામાં આવી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ હતી. આ ગેંગ દ્વારા છેલ્લા 5 દિવસમાં 5 રીક્ષાઓની ચોરી કરી હતી. તેમજ શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે રીક્ષા ચોર ગેંગના સભ્યો દ્વારા જે હકીકત પોલીસને જણાવી તે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી.
અનુસાર માહિતી મુજબ, અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રીક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી, જેમાં પણ છેલ્લા 5 દિવસમાં 5 રીક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસ રીક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ 4 રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રીક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી.
આ દરમિયાન ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ CCTV તેમજ અન્ય માહિતીઓના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી હતી. આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
શાહીબાગ પોલીસે 5 રીક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી 5 રીક્ષાઓ રિકવર કરી છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રીક્ષાની જૂની ચાવી દ્વારા અલગ અલગ રીક્ષાઓમાં ચાવી ભરાવી રિક્ષા ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા અને જે રીક્ષા ચાવીથી ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા. આ ઉપરાંત સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વહેંચી પૈસા મેળવતા હતા. જો કે રીક્ષાના પાર્ટસ વહેંચી કમાયેલા પૈસા મોજશોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું હતું.
હાલ પોલીસે રીક્ષા ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી અને આ ચોરીની ગેંગમાં અન્ય કોઈ આરોપી સંડવાયેલું છે કે કેમ તેમજ આ ચોર ગેંગ દ્વારા શહેરમાંથી અન્ય કેટલી રીક્ષાઓ ચોરી કરી છે તેને લઈને વઘુ તપાસ હાથ ધરી છે.