- કમ્ફર્ટ ઈનમાં ’આઉટસોર્સીંગ’ દ્વારા ફેક જુગારકાંડ સર્જાયો?
- પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપત સોલંકી સસ્પેન્ડ : અરવલ્લી અને દાહોદ ખાતે મૂકી દેવાયા
ટંકારાના બહુચર્ચિત જુગારધામ કેસની તપાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝુકાવ્યા બાદ અનેક મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વચ્ચે શનિવારે સાંજે જ ટંકારા પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા બાદ હવે સાત પીએસઆઈ સહીત 18 પોલીસકર્મીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મોટાપાયે થયેલી બદલીને પગલે જુગારધામકાંડની તપાસમાં અનેક બણગા ફૂટ્યાને સમર્થન મળી રહ્યું છે. બીજી બાજુ એવી પણ વાત સામે આવી છે કે, જયારે હોટેલ કમ્ફર્ટ ઈનમાં પોલીસ દરોડો પાડવા ગયેલી ત્યારે જુગાર રમવાની શરૂઆત થઇ ન હોય પણ નીલ રેઇડને સફળ બનાવવા માટે બહારથી એટલે કે આઉટસોર્સીંગ કરાવી રૂ. 12 લાખ મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોટી રોકડ સહીત કુલ રૂ. 63 લાખના વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ મામલે અમુક સૂત્રો તો એવુ પણ જણાવી રહ્યા છે રેડને ચકચારી અને અત્યંત હાઈપ્રોફાઈલ દેખાડવા માટે ડ્રાયવર તરીકે આવેલા શખ્સો કે જેઓ હોટેલમાં હાજર પણ ન હતા તેમને પણ આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લાના ટંકારા નજીકની હોટલ કમ્ફર્ટ ઈનમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા બાદ આચરાયેલા ખાખીના તોડકાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી સાફસૂફી શરૂ કરી છે. સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી ખુલ્લી પડતા જિલ્લા પોલીસ વડાએ 7 પીએસઆઈ અને 11 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા છે. મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં ટંકારા પીએસઆઈ એમ. જે.ધાંધલની હળવદ, સિટી એ હેડ ડિવિઝનના પી.આર.સોનારાની એલઆઈબી મોરબી, એલઆઈબી એ મોરબીના જે.એલ.ઝાલાની વાંકાનેર સિટી, વાંકાનેર સિટીના ડી.વી. કાનાણીની હળવદ, એસસીએસટી સેલના કે.એચ.અંબારિયાની હળવદ, સિટી એ ડિવિઝનના બી.એ.ગઢાઠીની સિટી બી ડિવિઝન, આઈયુસીએડબ્લ્યુ એસ.વી.સામાણીની સિટી બી ડિવિઝનમાં બદલી કરાઈ છે.
બીજી તરફ 11 પોલીસ કર્મીઓની બદલી કરાઈ છે. જેમાં મોરબી તાલુકાના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર સુખાભાઈ ડાંગરની વાંકાનેર તાલુકા, હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બટુકભા પરમારની વાંકાનેર સિટી, કોન્સ્ટેબલ કિશોરકુમાર મુળજીભાઈ દાવાની ટંકારા, વનરાજભાઈ કાનાભાઈ ચૌહાણની હળવદ, રવિરાજ શક્તિસિંહ પરમારની માળિયા મિયાણા, મયુર જલાભાઈ ચાવડાની હળવદ, વિજયકુમાર દેવદાનભાઈ સવસેટાની વાંકાનેર સિટી, લકીરાજ ચંદુલાલ લોખીલની હેડ ક્વાર્ટર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારની વાંકાનેર સિટી, અશોક રત્નાભાઈ શારદિયાની ટંકારા તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પરબતભાઈ ચાવડાની હળવદ બદલી કરાઈ છે.
ઉલ્લેખનીય બાબત છે કે, પીઆઈ વાય કે ગોહિલને સસ્પેન્ડ કરી અરવલ્લી જયારે કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીને દાહોદ ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
પોલીસ બેડાથી માંડી રાજકીય ગલિયારી સુધી હોટ ટોપીક બનેલા આ દરોડાની ચર્ચાતી વિગત મુજબ ટંકારા પોલીસ જયારે દરોડો પાડવા ગયાં હતા ત્યારે હજુ સુધી જુગારના પાટલા મંડાયા જ ન હતા પણ ખાલી હાથે પાછું ફરવું હોય અને પ્રસિદ્ધિની સાથે વહીવટ પણ કરવો હોય પોલીસે નીલ રેડને સફળ બનાવવા કારસો રચ્યો હતો. જેમાં કોઈ પણ જુગારી પાસે કોઈ મોટી રોકડ નહિ હોવાથી બહારથી પૈસાની વ્યવસ્થા કરાવી જુગારના પટમાં મુકાવી દેવાયા બાદ રૂ. 12 લાખની રોકડ, લકઝરીયસ કાર સહીત કુલ રૂ. 63 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ ટંકારા પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યાનું ચિત્ર ઉભું કર્યું હતું.
વાય કે ગોહિલે કરેલા ત્રણેક વહીવટની તપાસ?
ટંકારાના તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલે દરોડા પાડ્યા મામલામાં છેક ગાંધીનગર સુધી ફોન ધણધણ્યા હતા અને પરિણામે અગાઉ ગોહિલને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. જે બાદ એસએમસીને તપાસ સોંપવામાં આવતા વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહને સસ્પેન્ડ કરી અનુક્રમે અરવલ્લી અને દાહોદ મૂકી દેવામાં આવ્યા છે. બીજી બાજુ પીઆઈ વાય કે ગોહિલે અગાઉ કચ્છ સહિતના જિલ્લામાં કરેલા જમીન સહિતના ત્રણેક પ્રકરણના વહીવટની હાલ તપાસ કરવામાં આવી રહી છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં છે.
માથા ગણાવવા મોબાઈલ ભૂલી જનાર વ્યક્તિ, પાર્કિંગમાં ઉભેલા ડ્રાયવરને પણ જુગારી બનાવી દેવાયા?
હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યાની પ્રસિદ્ધિ મેળવવા પોલીસે કશું જ બાકી નહિ રાખ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. જુગાર રમવા આવેલા લોકો હોટેલમાં સૂપ પી રહ્યા હતા ત્યારે એક મિત્ર સાથે મુલાકાત થઇ હતી અને ત્યારબાદ સાથે પીને આ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હતો પણ પોતાનો મોબાઈલ હોટેલ ખાતે જ ભૂલી ગયાની જાણ થતાં મોબાઈલ પરત લેવા આવેલી વ્યક્તિને પણ આરોપી તરીકે બેસાડી દેવાયો હતો. જયારે માથા ગણાવવા પાર્કિંગમાં ઉભેલા ડ્રાયવરોને પણ જુગારી બતાવવામાં આવ્યો હતો.