- લોકો-સંસ્થાઓ 20મી, જાન્યુઆરી-2025 સુધી તેમના વાંધા-સૂચનો મોકલાવી શકશે: નવી જંત્રીના સૂચિત દરમાં અસહ્ય વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ: કલેક્ટરને આવેદન
- રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર ઓફીસ સુધી બિલ્ડરોએ મૌન રેલી યોજી જબ્બર વિરોધ દર્શાવ્યો
ગુજરાત સરકારે રાજ્યમાં જમીન અને મકાન-મિલકોની બજાર કિંમતો નક્કી કરવા માટે વિકાસનું કારણ આગળ ધરીને નવી જંત્રી જાહેર કરવાના નિર્ણય સાથે હાલ તેનો મુસદ્દો જાહેર કર્યો છે અને તેમાં લોકો-સંસ્થાઓ પાસેથી વાંધા-સૂચનો મેળવવા 20મી, નવેમ્બરથી 20મી ડિસેમ્બર સુધીનો 30 દિવસની મુદ્દત જાહેર કરી હતી. આ સૂચિત નવી જંત્રીના મુસદ્દા મુજબ રાજ્યમાં જમીન, મકાન-મિલકતોની નવી જંત્રીના દરમાં 200થી 2000 ટકા જેટલો વધારો ઝીકવાની તૈયાર દર્શાવી છે પરિણામ સ્વરુપ રાજ્યભરમાં જમીન, મકાન-મિલકતોના ભાવ આસમાન પહોંચશે, તે સહજ મનાય છે ત્યારે સરકારના આ નિર્ણયની સામે બિલ્ડર લોબીએ બગાવતનું બૂંગિયું ફૂ્કયું છે.
આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બિલ્ડરો આકરા પાણીએ થયા છે અને જંત્રી દરના વિરોધ સામે ક્લેક્ટરને આવેદન પાઠવ્યું છે.
જેની પહેલી અસર તો એ થઈ છે કે, રાજ્ય સરકારે નવી જંત્રીના મુસદ્દામાં વાંધા-સૂચનો મેળવવા માટે જે 20મી, ડિસેમ્બર-2024 સુધીનો સમયગાળો જાહેર કર્યો હતો. તેમાં હાલને તબક્કે તો સરકારે એક મહિનાનો વધારો કરી દીધો છે એટલે કે હવે, લોકો-સંસ્થાઓ 20મી, જાન્યુઆરી-2025 સુધી તેમના વાંધા-સૂચનો મોકલાવી શકશે પરંતુ એમ મનાય છે કે, રાજ્ય સરકારની સૂચિત જંત્રીના મુસદ્દામાં જે જંત્રીના નવા દર દર્શાવાયા છે, તે લોકો કે સંસ્થાઓને કદાપિ સ્વીકાર્ય બની શકે જ ન હોવાથી સરકારના નવી જંત્રીના મુસદ્દા સામેની લડત સહેલાઈ-વહેલી આટોપી જાય તેમ લાગતું નથી. તાજેતરમાં ક્રેડાઈ દ્વારા કહેવાયું હતું કે, ગુજરાત સરકારે નવી જંત્રીના દર નક્કી કરવા માટે એક વર્ષનો સમય લીધો હતો અને લોકો-સંસ્થાઓના વાંધા-સૂચનો મંગાવવા માટે 20મી, ડિસેમ્બર-2024 સુધીનો માત્ર એક જ મહિનાનો સમય આપ્યો હતો. તે કદાપિ ઉચિત નથી અર્થાત ક્રેડાઈએ પ્રથમ દષ્ટિએ વાંધા-સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અપાયેલા 30 દિવસના સમયગાળાનો વિરોધ કર્યો હતો. જેના અનુસંધાને સરકારે આ સમયગાળામાં હવે, વધુ 30 દિવસનો એટલે 20મી, જાન્યુઆરી-2025 સુધીનો વધારો કર્યો છે. વાસ્તવમાં,ક્રેડાઈના વિરોધનો સૂર એ સમજાય છે કે, ગુજરાત સરકારે, વૈજ્ઞાનિક પધ્ધતિથી સર્વે કરીને નવી જંત્રીના દર સૂચવાશે એમ જાહેર કરીને લગભગ દોઢ-એક વર્ષ જેટલો સમય લઈને 20મી, નવેમ્બર-2024ના રોજ જે સૂચિત દરનો મુસદ્દો જાહેર કર્યો હતો. તેમાં જે રીતે જમીન, મકાન-મિલકતોના ભાવમાં અસહ્ય વધારો દર્શાવ્યો છે તેના કારણે ખેડૂતોથી લઈ સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો અને ડેવલપરોને પણ તેની વિપરિત અસર પહોંચશે.
2011માં નવી જંત્રીના અમલ બાદ 12 વર્ષ સુધી જંત્રીના દરોમાં વધારો કેમ ના કરાયો?
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રીનો અમલ જાહેર કર્યો હતો ત્યારબાદ 12 વર્ષ સુધી જંત્રીના દરોમાં કોઈ જ વધારો કર્યો ન હતો. એનું કારણ એ મનાય છે કે, 2011માં નવી જંત્રીના જે દર જાહેર કરાયા હતા, તે એટલા ઉંચા હતા કે તેનો ચારે તરફથી વિરોધ થયો હતો. એ પછી રાજ્ય સરકારે માર્ચ-2023માં જંત્રીના દર બમણાં કરી દેવાની જાહેરાત કરી હતી. તે વખતે પણ ક્રેડાઈએ કહ્યું હતું કે, સરકારે, તેના કારણે રિઅલ એસ્ટેટ ઉપર તેની કેવી અસર થશે, તેનો સહેજ પણ વિચાર કર્યા વિના જ જાહેરાત કરી હતી. હવે, નવેમ્બર-2024માં પણ રાજ્ય સરકારે નવી જંત્રીના નવા સૂચિત દર સાથનો જે મુસદ્દો જાહેર કર્યો છે. તેમાં જમીન, મકાન-મિલકતોના જંત્રીના દરમાં ઘણો મોટો વધારો કરવાનું જાહેર કર્યું છે.