- કુપોષિત બાળકોની ટકાવારી ઑક્ટો 2022 માં 53.6 ટકા હતી જે ઘટીને ઑક્ટો 2024 સુધીમાં 40.8 ટકા નોંધાઈ
રાજ્ય સરકારે કરેલ આરોગ્યની સુવિધાઓમાં વધારો તેમજ આરોગ્ય પ્રત્યેની જાગૃતિના પરિણામે કુપોષિત બાળકોના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. સંસદના ચાલુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં કુપોષિત બાળકોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં 0 થી 5 વર્ષની વયના કુપોષિત બાળકોની ટકાવારી ઑક્ટો 2022 માં 53.6 ટકા હતી. જે ઘટીને ઑક્ટો 2023 માં 43.6% થઈ ગઈ છે અને ઑક્ટો 2024 સુધીમાં 40.8 ટકા નોંધાઈ છે. જે બે વર્ષમાં 12.8 ટકાનો ઘટાડો દર્શાવે છે.
પોશન ટ્રેકરના ડેટા મુજબ, કેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો છે કે ગુજરાતમાં 0 થી 5 વર્ષની વયના કુપોષિત બાળકોની ટકાવારીમાં ઑક્ટોબર 2022 માં 8.1 ટકાનો, અને ઑક્ટો 2023 માં 8.9 ટકાનો ઘટાડો થયો છે. આ ટકાવારી ઑક્ટોબર 2024 ઘટીને 7.8 ટકા થઈ છે.
5 વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકો અંગે, કેન્દ્ર સરકારે જણાવ્યું કે ઑક્ટોબર 2022 સુધીમાં, 23.1 ટકા બાળકો ઓછા વજનવાળા હતા. જે ટકાવારી ઑક્ટો 2023 સુધીમાં, ઘટીને 20.7 ટકા થઈ ગઈ, તેમજ ઑક્ટો 2024 સુધીમાં આ પ્રમાણ યથાવત રહ્યું હતું.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં માથાદીઠ આવકનુ પ્રમાણમાં વધુ છે, ત્યાં પોષણ વિશે જાગૃતિ કેળવવી એ અગત્યનું છે. “ખોરાક એ કોઈ મુદ્દો નથી, પરંતુ પોષક તત્ત્વોની દ્રષ્ટિએ તેની ગુણવત્તાની તપાસ સાથે સંતુલિત આહાર પર ધ્યાન આપવું જોઈએ. મધ્યાહન ભોજન જેવી યોજનાઓ ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત માતાઓમાં જાગૃતિ લાવવી જરૂરી છે. જેથી તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે.