- ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવા વિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત
- 2000થી વધુ સ્વયંસેવક પર્ફોર્મર્સના વિરલ સમન્વય દ્વારા થશે એક ઐતિહાસિક પ્રસ્તુતિ
ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની, અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા છે બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો. નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગનીથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીખરી ઊઠે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તેનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી આ નિ:સ્વાર્થ સેવાની સરવાણી અવિરત વહી રહી છે. સન
1907માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ, પરંતુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું. એ વાતને આજે 50 વર્ષનો સમય વીતી ગયો છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બી.એ.પી.એસ. સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.
આ કાર્યકરોની નિ:સ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા.
છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. તેમજ આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
7 ડિસેમ્બર અને શનિવારે સાંજે 5.00 થી 8.30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે: (1) બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે. (2) વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે. (3) ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ
- * એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો
- * વિશ્વના 30 દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરોનું થશે આગમન
- * 2000થી વધુ પર્ફોર્મર્સ
- * બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી.
- * કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું.
- * પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત