- અનેકના સપના ચકનાચુર કરતો નવો નિયમ આવે છે !
- સંગઠન બાદ સત્તામાં પણ નવી-યુવા પેઢીને લાવવા ભાજપની મથામણ: 2026માં યોજાનારી મહાપાલિકા અને જિલ્લા પંચાયતમાં નવો નિયમ લાગુ કરી દેવાય તેવી સંભાવના
- વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતા ભાજપ દ્વારા હવે સંગઠન અને સત્તામાં યુવા પેઢીઓને લાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે. વર્ષોથી બીબાઢાળ સમી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સંગઠન માળખાની નવી નિયુક્તીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
દરમિયાન આગામી 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બે ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટાતા નેતાઓને હવે ભાજપ ટિકિટ નહિં આપે આ નિયમથી અનેક નેતાઓનું રાજકારણ પુરૂં થઇ જશે. સાથોસાથ તેઓના સપના પણ ચકનાચૂર થઇ જશે.
સામાન્ય રીતે સંગઠન અને સરકાર કે સત્તામાં અનુભવીઓ અને યુવાનોનું સમન્વય સાધી આગળ ચાલે તે રાજકીય પાર્ટીનો વિકાસ થતો હોય છે.
ભાજપ માટે ગુજરાત એક રાજકીય લેબોરેટરી સમાન બની ગયું છે. અહિં કોઇપણ પ્રકારના નિર્ણય લેવામાં આવે તેનો કાર્યકરો દ્વારા સ્વિકાર કરવામાં આવતો હોય છે.
2021માં યોજાયેલી મહાપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પક્ષ દ્વારા એવા નિયમો ઘડવામાં આવ્યા હતા કે સતત ત્રણ ટર્મ કે તેથી વધુ સમયથી કોર્પોરેટર રહેલા એકપણ નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહિં. 60 વર્ષ કે તેથી વધુની વય ધરાવતા નેતાને પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ મળશે નહિં. આ ઉપરાંત સંગઠનમાં હોદ્ો ભોગવનાર વ્યક્તિએ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી હશે તો સંગઠનમાંથી રાજીનામું આપી દેવું પડશે. આ નિર્ણયથી શરૂઆતમાં થોડો હોબાળો ચોક્કસ થયો હતો પરંતુ કાર્યકરોએ હાઇકમાન્ડના આ નિર્ણયને વધાવી લીધો હોય તેમ રાજ્યની આઠ મહપાલિકાઓ અને 31 જિલ્લા પંચાયતોમાં રેકોર્ડબ્રેક વિજય થયો હતો. આગામી વર્ષ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ ટિકિટ ફાળવણીને લઇ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે.
જેમાં સતત બે ટર્મ કે તેથી વધુ સમયથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા નેતાને ટિકિટ આપવામાં આવશે નહિં. આ ઉપરાંત વય મર્યાદાનો નિયમ યથાવત રાખવામાં આવશે. અન્ય કેટલાક નિયમો પણ લાગૂ કરવામાં આવે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.
મહાપાલિકા અને જિલ્લા પંચાયતનો વહિવટ ખૂબ જ મોટો હોય છે અને લોકોની સુખાકારીને સીધો જ અસર કરતો હોય છે. આવામાં જો અનુભવીઓને સાઇડ લાઇન કરી બિન અનુભવીઓને વહિવટ સોંપી દેવામાં આવે તો મોટી નુકશાની થવાનો પણ ખતરો રહેલો છે. બીજી રીતે જોવામાં આવે તો એકંદરે કાર્યકરો માટે આ નિર્ણય સાચો ગણાવી શકાય કારણ કે વર્ષોથી પક્ષ માટે કાળી મજૂરી કરનાર કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનો પણ મોકો મળે. બીજી તરફ જે નેતા વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવા માટે જ્ઞાતિ-જાતિના સમિકરણો સહિતના અલગ-અલગ સમિકરણોના કારણે સક્ષમ હોતા નથી. તેઓનું રાજકારણ માત્ર 10 વર્ષમાં પુરૂં થઇ જાય છે. અનુભવીઓની અછતની અસર વહિવટી પ્રક્રિયા પર પણ પડે છે.