- સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
- ભાનુ પનિયાએ બરોડા તરફથી સૌથી તોફાનીબેટિંગ કરી, 262.75ના સ્ટ્રાઈક રેટથી 15 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી 51 બોલમાં અણનમ 134 રન બનાવ્યા
બરોડાની ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કમાલ કરતા ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં સિક્કિમ સામે રમાઈ રહેલી મેચની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા બરોડાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. આ ટી20 ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
આજ પહેલા કોઈ ટીમ ટી20માં આટલા રન બનાવી શકી નથી. આ પહેલા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો. તેણે આ વર્ષે ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભાનુ પનિયાએ બરોડા તરફથી સૌથી તોફાની બેટિંગ કરી હતી 262.75ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા આ ખેલાડીએ 51 બોલમાં અણનમ 134 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 15 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ સિવાય ઓપનર શાશ્વત રાવત (43 રન) અને અભિમન્યુ સિંહ રાજપૂત (53 રન)એ ટીમને સારી શરૂઆત અપાવી હતી.શિવાલિક શર્માએ પણ 55 અને વિષ્ણુ સોલંકીએ પણ 16 બોલમાં તોફાની અડધી સદી ફટકારી હતી. આ બેટ્સમેનોની મદદથી બરોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સિક્કિમ સામેની આ ઇનિંગમાં બરોડાએ કુલ 37 સિક્સર ફટકારી હતી. નોંધનીય છે કે બરોડાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અગાઉનો સૌથી વધુ ટીમ સ્કોર પંજાબનો હતો, જેણે ટૂર્નામેન્ટની છેલ્લી સીઝનમાં આંધ્ર સામે 275 રન બનાવ્યા હતા.
આ મેચમાં બરોડાએ સિક્કિમને 263 રનથી હરાવ્યું હતું. 350 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સિક્કિમની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 86 રન જ બનાવી શકી હતી. સિક્કિમ માટે રોબિન લિમ્બુએ સૌથી વધુ 20 રન બનાવ્યા જ્યારે અંકુરે 18 રનની અણનમ ઇનિંગ રમી. સિક્કિમ તરફથી માત્ર ત્રણ બેટર્સ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. બરોડા તરફથી મહેશ પિઠિયા અને નિનાદ રાઠવાએ બે-બે વિકેટ લીધી હતી.
સૈયદ મુશ્તાક અલી 2024ની ગ્રૂપ-બીની મેચમાં બરોડાનો મુકાબલો સિક્કિમ સામે હતો. આ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા બરોડાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમ તરફથી શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે આક્રમક શૈલીમાં ઓપનિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્ને ઓપનરોએ પણ તોફાની બેટિંગ કરી અને પ્રથમ વિકેટ માટે 92 રન જોડ્યા. શાશ્વત રાવત (16 બોલમાં 43 રન) અને અભિમન્યુ સિંહ રાજપૂતે (17 બોલમાં 53 રન) ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. રાવતે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી હતી, જ્યારે અભિમન્યુએ 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
ટી-20 મેચની એક ઇનિંગમાં છગ્ગા-ચોગ્ગાની મદદથી 294 રનનો સર્વોચ્ચ સ્કોર
સિક્કિમ સામે રમાયેલી મેચમાં ટી20 ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવા ઉપરાંત, બરોડાએ ટી20 ઈનિંગ્સમાં સૌથી વધુ 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.આ સિવાય ટી20 મેચની એક ઇનિંગમાં બાઉન્ડ્રી (છગ્ગા અને ચોગ્ગા)ની મદદથી 294 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં આ 300થી વધુનો પ્રથમ સ્કોર હતો. આ પહેલા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર પંજાબે છેલ્લી સીઝનમાં એટલે કે 2023માં બનાવ્યો હતો. પંજાબે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 20 ઓવરમાં 275 રન બનાવ્યા હતા.
ટી-20 ક્રિકેટમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર
- બરોડા 349/5 વિરુદ્ધ સિક્કિમ – 2024
- ઝિમ્બાબ્વે 344/4 વિરુદ્ધ ગામ્બિયા – 2024
- નેપાળ 314/3 વિરુદ્ધ મંગોલિયા – 2023
- ભારત 297/6 વિરુદ્ધ બાંગ્લાદેશ – 2024
- ટી-20 ક્રિકેટમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર