- વડોદરામાં પુષ્પા-2 ફિલ્મ બે કલાક મોડી શરૂ થતા દર્શકોએ મોલમાં ચાલતા મલ્ટીપ્લેક્સમાં હોબાળો મચાવ્યો, પોલીસ બોલાવવી પડી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇવા મોલ સ્થિત PVRમાં પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થઈ હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ટિકિટ લઈને પહોંચ્યા હતા. સવારે 6 વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને થિયેટરની બહાર હાય.. હાય…ના નારા લગાવ્યા હતા
હૈદરાબાદની ઘટનાને ધ્યાને લઈ પોલીસ દોડી ગઈ
હૈદરાબાદમાં મોડીરાતે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુન બે કલાક મોડા આવતા અલ્લુ અર્જુનને મળવા માટે પહોંચેલા હજારો ચાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ બનાવવાને ધ્યાનમાં લઇને વડોદરા પોલીસ તુરંત જ થિયેટર પર પહોંચી ગઈ હતી અને પ્રેક્ષકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા મામલો થાળે પાડયો હતો.
રિફંડની માગણી કરાઈ હતી
રોષે ભરાયેલા દર્શકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને દર્શકોની રજૂઆત સાંભળી હતી. દર્શકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માગણી કરી હતી.
જામનગર : PVR મલ્ટી પલ્સ સિનેમામા મુવી પુષ્પાને લઈ દર્શકોનો હોબાળો
જામનગરના PVR મલ્ટી પલ્સ સિનેમામા મુવી પુષ્પાને લઈ દર્શકોનો હોબાળો જોવા મળ્યો હતો. તેમજ સવારના 6:30 વાગ્યાનો મુવી શો ટેકનિકલ કારણોસર શરુ ના થતા દર્શકોમા રોષ જોવા મળ્યો હતો. PVR સિનેમામા મુવી પુષ્પાના ફોટો ગ્રાફ્સ દર્શકો દ્વારા તોડી નાખવાના આક્ષેપો કરાયા છે. આ સમગ્ર બનાવ બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ હાલ સમગ્ર મામલો શાંત થયો હોવાનું જાણવા મળ્યું છે
હૈદરાબાદની ઘટનાની જો વાત કરવામાં આવે તો
હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે, 3 લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે આવ્યો હતો. આરટીસી એક્સ રોડ પર થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા માંગતા હતા.
આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. ધક્કા લાગવાને કારણે ઘણા લોકો એકબીજા પર પડ્યા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
ભીડ ઓછી થયા બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તબીબે એક મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અલ્લુ અર્જુનના ફેન્સ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.