- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રહ્યા ઉપસ્થિત
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે નવી દિલ્હી સ્થિત પોતાના સરકારી નિવાસસ્થાને ગુજરાતના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના હોદ્ેદારો માટે સ્નેહમિલન-ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપના નેતાઓને ભાવતા ભોજનીયા કરાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિથી ઉત્સાહ બેવડાય ગયો હતો.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી હવે ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ વિદાય લઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે બુધવારે રાત્રે તેઓ દ્વારા નવી દિલ્હી ખાતે તેમના સરકારી બંગલા ખાતે મહાભોજનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપના 162 પૈકી 110થી વધુ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોકસભાના 25 સાંસદોએ પણ હાજરી આપી હતી. ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આ ડિનર પાર્ટી કમ સ્નેહમિલનમાં હાજર રહ્યા હતા. તેઓએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે ગ્રુપ ફોટા પડાવ્યા હતા અને થોડી વાતચિત પણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ-કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા પણ ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા. મહાભોજમાં વલસાડી ઉંબાડીયુ અને સુરતી ઉંધીયુ, પુરી, મઠા જેવી વાનગીઓ પિરસવામાં આવી હતી. ભોજનનો સ્વાદ ખૂબ જ સારો હતો. સ્નેહ મિલનમાં કોઇપણ પ્રકારનું હોમવર્ક આપવામાં આવ્યું ન હતું. તમામ ધારાસભ્યોની કામગીરી સરાહના કરવામાં આવી હતી.