- શિક્ષણ, સંસ્કાર અને સેવાની ત્રિવિધ પ્રવૃત્તિ કથકી અનાથ તેમજ ઝુંપડપટ્ટીના બાળકો માટે અનોખો ‘સેવાયજ્ઞ’
રાજકોટનું પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ અનાથ તેમજ ઝૂંપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ અને કૌશલ્ય આપવા સાથે સંસ્કાર ઘડતર કરવાનું તેમજ વૃદ્ધાશ્રમના વડીલોની સેવા કરવા સાથે જીવનની ઢળતી સંધ્યાએ આનંદના રંગ પૂરવાનું કામ કરે છે. છેલ્લા 22 વર્ષથી ચાલતી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ચોમેર પ્રસરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેની નોંધ લઈને તેમને પત્ર મારફતે વિશેષ શુભકામનાઓ પાઠવી છે.
રાજકોટના રૂડાનગર-2 વિસ્તારમાં રહેતા તક્ષ મિશ્રા પ્રજ્ઞા એજ્યુ. એન્ડ ચેરિ. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસના આશીર્વાદ અને કૃપાથી જ આ બધું થવું હોવાનું તેઓ નમ્રભાવે કહે છે.
તક્ષ મિશ્રાએ પોતાના ઘર ‘આસ્થા’નો પહેલો તથા બીજો માળ બાળકોની વિવિધ પ્રવૃતિઓ માટે સમર્પિત કરી દીધો છે.
આ સાથે કમ્પ્યુટર, રોબોટિક્સ, સિલાઈ કામ, ચિત્રકામ તેમજ વિવિધ સ્કીલની તાલીમ પણ આપવામાં આવે છે. બાળકોને અહીં ભોજન પણ અપાય છે. રોજ સાંજે શાળા છૂટ્યા પછી બાળકો હોંશે હોંશે અહીં પહોંચી જાય છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં શિસ્ત સાથે જોડાય છે. દર સપ્તાહે એક ટીમ મનપસંદ ગીતો પર અચૂક ગરબા રમે છે. હાલમાં 130 જેટલા બાળકો નિયમિત રીતે વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા છે.
પ્રજ્ઞા ટ્રસ્ટ દ્વારા વિવિધ વૃદ્ધાશ્રમોમાં જઈને વડીલોની સેવા કરવામાં આવે છે. વડીલોના નખ કાપી દેવા, માથામાં તેલ નાખી દેવું, હાથ-પગમાં મસાજ, તેમને મધૂર-મનપસંદ ગીતો-ભજન સંભળાવવા, ધાર્મિક સિરિયલ્સ બતાવવી, વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ કરાવવી, વાર-તહેવારે તેમને બહાર સારી રેસ્ટોરાં કે હોટેલમાં ભાવતા ભોજન માટે લઈ જવા, વિવિધ પ્રસંગોએ રામલીલાનું આયોજન કરવું, જેમાં વૃદ્ધો જ રિહર્સલ કરીને એક્ટિંગ કરે, હવન કરવો, સમયાંતરે મેડિકલ ચેકઅપ, દવા પહોંચાડવી વગેરે સેવાકાર્યો કરવામાં આવે છે.
કેવી રીતે થઈ આ બધી પ્રવૃત્તિઓની શરૂઆત! તે અંગે તેઓ જણાવે છે કે, વર્ષ 2002માં કમ્પ્યુટર ક્લાસિસના ઉદઘાટન માટે રામકૃષ્ણ મિશનના સ્વામી જિતાત્માનંદજીને મળવા ગયા હતા. એ સમયે માતા શારદાની 150મી જન્મ જયંતિ હતી. આ સમયે સ્વામીજીએ જરૂરિયાતમંદ લોકો માટે સામાજિક સેવા કરવાની પ્રેરણા આપી.
તેઓ ઉમેરે છે કે, બાળકો, વૃદ્ધોને લાવવા-લઈ જવા માટે વાહનોની સેવા એક શાળા તેમજ એક સેવાભાવી દ્વારા પૂરી પાડવામાં આવે છે. વૃદ્ધોને જમાડવા લઈ જઈએ ત્યારે રાજકોટની કેટલીક જાણીતી હોટેલ બિલના પૈસા પણ નથી લેતી અને વડીલો-બાળકોને નિયમિત રીતે ભોજન માટે લઈ આવવા આગ્રહ કરે છે. પ્રજ્ઞા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, વૃદ્ધો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, મનોદિવ્યાંગો, બહેનો વગેરે માટે અનેકવિધ સેવાકાર્યો ચાલી રહ્યા છે. આજે 62 જેટલી સંસ્થાઓ તેમજ વિવિધ સેવાભાવીઓ આ સંસ્થા સાથે જોડાઈને સેવાકીય કાર્યો થકી બાળકો, વૃદ્ધોના ચહેરા પર સ્મિત રેલાવી રહ્યા છે.