- કેન્દ્ર સરકારે રૂ.1.16 કરોડની પ્રાથમિક રૂપે ફાળવણી કરી, વધુ રૂ.61 કરોડના વિવિધ કામો હાથ ધરવામાં આવશે:વિશ્ર્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રસિદ્ધ જ્યોર્તિર્લિંગ ઓમકારેશ્ર્વર
- સાથે વોટર વેથી સાંકળી લેવા અને બન્ને વચ્ચે 120 કિમીની ક્રૂઝ સેવા શરૂ કરવાની દિશામાં પ્રયાસો
દેશભરમાં પ્રવાસનને વેગ આપવા તેમજ સરળ તથા સુગમ પરિવહન માટે કેન્દ્ર સરકારે નદીઓને સાંકળતા વોટર વે બનાવવાની કામગીરી હાથ પર લીધી છે. એમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રસિદ્ધ જ્યોર્તિર્લિંગ ઓમકારેશ્વર સાથે વોટર વેથી સાંકળી લેવા અને બન્ને વચ્ચે 120 કિમીની ક્રૂઝ સેવા શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ થયા છે. આ માટે કેન્દ્ર સરકારે રૂ.1.16 કરોડની પ્રાથમિક રૂપે ફાળવણી કરી છે જ્યારે વધુ રૂ.61 કરોડના વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના પ્રશ્નના ઉત્તરમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રીએ વિગતો આપતાં જણાવ્યું છે કે, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સરદાર સરોવર નર્મદા નિગમ તથા મધ્યપ્રદેશ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર કરી નર્મદા નદીમાં ક્રૂઝ સેવા શરૂ કરવાની કામગીરી શરૂ કરી છે. આ માટે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક એક જેટી ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવી છે. આ કામ માટે હાલ પ્રાથમિક રીતે રૂ.1.16 કરોડની રકમ ફાળવી દેવામાં આવી છે જ્યારે 2025-26માં ક્રૂઝ સેવા શરૂ કરવા માટે જરૂરી માળખાકીય સુવિધા હેતુથી રૂ.45.41 કરોડ ખર્ચાશે જ્યારે જમીન સંપાદિત કરી ટર્મિનલ બનાવવા, સહેલાણીઓને ક્રૂઝ સુધી લઇ જવા લાવવા માટેની સુવિધા માટે રૂ.10.02 કરોડ, હાઇડ્રોગ્રાફિક સર્વે માટે રૂ.55 લાખ, કાર્ગો પ્રમોશન માટે રૂ.20 લાખ, અન્ય ખર્ચ રૂ.40 લાખ મળી રૂ.60.84 લાખ ફાળવવામાં આવનાર છે.ગત એપ્રિલ, 2024માં ઇનલેન્ડ વોટર વેઝ ઓથોરિટી દ્વારા થયેલા કરાર મુજબ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ ઓમકારેશ્વરથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે નર્મદા નદીમાં 120 કિમી અંતરમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ સેવા શરૂ કરવા માટે મધ્યપ્રદેશ દ્વારા કલકત્તાથી ફ્લોટિંગ જેટી મેળવવામાં આવી છે. જોકે, હજુ ગુજરાતમાં નર્મદા નિગમ દ્વારા આ દિશામાં હજુ કાર્યવાહી હવે પછી હાથ ધરાશે એમ જાણવા મળ્યું છે.મધ્યપ્રદેશ દ્વારા એવી યોજના તૈયાર થઇ છે, જેમાં કુક્શીથી સહેલાણીઓને જમીન માર્ગે ઓમકારેશ્વર ખાતેના સ્ટેચ્યૂ ઓફ વનનેસ લઇ જવાશે. આ ઉપરાંત ત્યાંથી મહેશ્વર, મંડલેશ્વર, માંડુ પણ જઇ શકાય એવી રીતે જેટી ઊભી કરવા પણ આયોજન કરાયું છે. હાલ કુક્શી-ચંદનખેડી તથા સકર્જા-અલીરાજપુર એમ બે જેટી ઊભી કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં છોટાઉદેપુર (હાંફેશ્વર) અને કેવડિયા (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) ખાતે જેટી ઊભી કરવાની યોજના છે. આ માળખાકીય સુવિધાઓ ઊભી થતાં બન્ને રાજ્યોમાં પ્રવાસનના વિકાસને વધુ તકો પ્રાપ્ત થશે એમ સમજાય છે.