- ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી નાની વયના એટલે કે 36વર્ષે ચેરમેન તરીકે જવાબદારી સંભાળનાર જયભાઈ શાહ પાંચમા ભારતીય અને પ્રથમ ગુજરાતી બન્યાં
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી નાની વયના એટલે કે 36વર્ષે ચેરમેન તરીકે જવાબદારી સંભાળનાર જયભાઈ શાહ એ પાંચમા ભારતીય અને સૌ પ્રથમ ગુજરાતી છે. જે બાબત આપણા સૌ માટે ગૌરવની બાબત છે.જય શાહે 1 ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 36 વર્ષીય જય શાહે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે. શાહ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં આ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. શાહ આઈસીઆઈમાં ટોચનું પદ સંભાળનાર પાંચમા ભારતીય છે. તેમના પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર પણ આઇસીસીના બોસ રહી ચૂક્યા છે.મહત્વનું છે કે, આઈસીસી પ્રમુખનું પદ 2016માં નાબૂદ કરવામાં આવ્યું હતું. ઝહીર અબ્બાસ આઈસીસીના છેલ્લા પ્રમુખ હતા. એન શ્રીનિવાસન 2014માં આઈસીસીના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. તે સમયે આઈસીસી અધ્યક્ષ અને આઈસીસી પ્રમુખ પદ થોડા વર્ષો સુધી એકસાથે ચાલુ રહ્યું.શાહ વિશ્વ ક્રિકેટ વહીવટમાં ટોચનું સ્થાન મેળવનાર સૌથી યુવા પ્રશાસક છે.જય શાહને ક્રિકેટ વહીવટનો બહોળો અનુભવ છે. શાહે વર્ષ 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે પોતાની સફર શરૂ કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2019માં શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં જોડાયા અને તેના સૌથી યુવા માનદ સચિવ બન્યા. એશિયન ક્રિકેટ કાઉન્સિલ અધ્યક્ષ હોવા ઉપરાંત તેમણે આઈસીસીની નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.
ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા આઈસીસી ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું: જય શાહ
ચાર્જ સંભાળ્યા બાદ શાહે કહ્યું, ’હું આ જવાબદારી નિભાવીને સન્માનિત અનુભવું છું. હું આઇસીસી ડિરેક્ટર્સ અને બોર્ડના સભ્યોનો તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. અમે લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા હોવાથી રમત માટે આ એક રોમાંચક સમય છે. અમે વિશ્વભરના ચાહકો માટે ક્રિકેટને વધુ સમાવિષ્ટ અને આકર્ષક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.તેમણે વધુમાં કહ્યું કે, અમે બહુવિધ ફોર્મેટના સહઅસ્તિત્વ અને મહિલા ક્રિકેટના વિકાસને વેગ આપવાની જરૂરિયાત સાથે નિર્ણાયક તબક્કે ઊભા છીએ. વૈશ્વિક સ્તરે ક્રિકેટમાં અપાર સંભાવનાઓ છે. હું આ તકોનો લાભ લેવા અને રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આઈસીસી ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છું.