- અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો
- કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બેનાં મો*ત
શહેરના નરોડા દહેગામ રોડ પર રવિવારે મોડી રાત્રે એક અસંતુલિત કાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઈવર નશામાં હતો, જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બીજી બાજુથી આવી રહેલા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડીને ગંભીર રીતે માર માર્યો અને પોલીસને હવાલે કર્યો. મૃતક યુવકોના નામ અમિત રાઠોડ (26) અને વિશાલ રાઠોડ (27) હોવાનું જણાવવામાં આવ્યું છે.
દહેગામ નરોડા હાઈવે પર બે યુવકો ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા. દરમિયાન એક સફેદ રંગની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ઉછળીને સીધી ટુ-વ્હીલર સવારોને ટક્કર મારી હતી. ટુ-વ્હીલર પર બેઠેલા બંને યુવકો હવામાં ઉછળીને જમીન પર પટકાયા હતા અને ઘટનાસ્થળે જ મૃ*ત્યું પામ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકોએ ડ્રાઇવર ગોપાલ પટેલને કારમાંથી બહાર કાઢ્યો હતો અને તેને માર માર્યો હતો. કાર ચાલક નશામાં ધૂત જોવા મળ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય ડીએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે કાર ચાલક નશાની હાલતમાં ઝાક ગામથી નીકળ્યો હતો. નરોડા તરફ જતી વખતે રસ્તામાં કાર ચાલકે રિક્ષાને ઓવરટેક કરી હતી. તે દરમિયાન કાર ડિવાઈડર પર ચઢી હવામાં ઉછળીને સામેથી આવતા ટુ-વ્હીલર સવારને ટક્કર મારી હતી. ટુ-વ્હીલર પર સવાર બંને યુવકો હવામાં ઉછળીને રોડ પર પડ્યા હતા અને બંનેના ઘટનાસ્થળે જ મો*ત થયા હતા. કણભા પોલીસ સ્ટેશને FIR નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે.