- પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી માનીને લોકો ડરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તદ્દન અલગ છે: આચાર્ય દેવવ્રતજી
- ઘણા લોકોને એ ખબર નથી કે બટાકા ધરતી પર ઉગે છે કે ઝાડ પર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું મિશન હતું ગ્રામોત્થાન. તેઓ વિદ્યાપીઠની સ્થાપના કરીને ફક્ત ડિગ્રી અને અક્ષરજ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓ નહોતા ઇચ્છતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે, વિદ્યાપીઠમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે ઉન્નત હોવાની સાથે તેમનું શિક્ષણ દૈનિક જીવનમાં ઉપયોગી થાય અને અંત્યોદય માટે વિદ્યાનો લાભ પહોંચે, આ પૂજ્ય બાપુનો પરમ ઉદ્દેશ્ય હતો.
દેશના ગામડાઓના લોકો મોટાભાગે ખેતીથી જોડાયેલા છે અને આ વખતે તમે તમારી સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું જ્ઞાન અને તમારી વિદ્યા લઈને તેમની પાસે ગયા એ તેમને ઘણી ઉપયોગી સાબિત થશે.
રાજ્યપાલએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટમાં પ્રાકૃતિક કૃષિ મિશન માટે રૂપિયા 2481 કરોડની ફાળવણી કરી છે. આઝાદ ભારતમાં પ્રથમવાર આવું કાર્ય થયું છે કે, કોઈ વ્યક્તિએ આવનાર પેઢી માટે, ધરતી માં માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય,તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાનને આ યાત્રા અંગે પણ જણાવ્યું તો તેમણે ઘણી પ્રસન્નતા અનુભવી છે. તેમણે જણાવ્યું કે આ કાર્ય પૂજ્ય બાપુનું છે,આ અભિયાન ગ્રામોસ્થાનનું છે જે પૂજ્ય બાપુનું મિશન છે, આ ચાલવું જોઈએ
વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પદયાત્રાના અનુભવો અમારામાં પણ ઉત્સાહ પેદા કરે છે
રાજ્યપાલએ ગર્વ અનુભવતાં જણાવ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું જે બૌદ્ધિક સ્તર છે, વાત કરવાની જે પ્રતિભા છે, તેનાથી હું પ્રસન્નતા અનુભવું છું. હું માનું છું કે, પદયાત્રાના છ દિવસ તમારા જીવનના સૌથી યાદગાર બની રહેશે.
આપણે ધર્મના નામે, ભાષાના નામે, ઈશ્વરના નામે અસમજણથી લડીએ છીએ. પરસ્પર સંકલન થાય, આદાનપ્રદાન થાય અને એકબીજાને સમજીએ તો તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે. રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, આ યાત્રાથી તમામ વિદ્યાર્થીઓને એકબીજાને સમજવાનો મોકો મળ્યો છે. આ યાત્રામાં જે ગ્રુપ હતા તે એક પરિવાર બની ગયા, એકબીજાના સુખ-દુ:ખના સાથી બની ગયા, એકબીજાને ઊંડાણપૂર્વક સમજવાનો મોકો મળ્યો. વિદ્યાર્થીઓ ગામમાં ગયા, ગામની સંસ્કૃતિ જોઈ, જે અનાજથી આપણે પેટ ભરીએ છીએ, શહેરના ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે બટાકા ધરતીમાં થાય છે કે, ઝાડ પર ઉગે છે. વિદ્યાર્થીઓએ ખેતરોમાં જઈને જે અનુભવો પ્રાપ્ત કર્યા છે તે ચાર દિવાલો વચ્ચે પાઠ્ય પુસ્તકમાંથી મળે નહીં. તેમણે દરેક ગ્રુપ સાથે પગપાળા ગયેલા ગુરુજનોને પણ અભિનંદન આપ્યા હતા.
પ્રાકૃતિક કૃષિ ફક્ત ખેતી નથી આ પર્યાવરણને બચાવવાનું અભિયાન છે તેમ જણાવી રાજ્યપાલે ઉમેર્યું લે પ્રાકૃતિક કૃષિ પાણીને બચાવવાનું અભિયાન છે, ધરતી માં, લોકોનું સ્વાસ્થ્ય અને ગૌમાતાને બચાવવાનું અભિયાન છે અને આનાથી ખેડૂતોની આવક વધશે. હવે દુનિયા બદલાઈ રહી છે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક કૃષિનું હશે કારણ કે, કેન્સરથી કોઈ મરવા માગતું નથી. દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન ઈચ્છે છે. યુરિયા, ડીએપી અને રાસાયણિક દવાથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. ગાંધી ગ્રામજીવન પદયાત્રાના સંયોજક અને કમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપક ડો. અજય પરીખે પદયાત્રાના રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સૌએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કર્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. નિખિલ ભટ્ટે આભારવિધિ કરી હતી.
- ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં રાજયપાલ દ્વારા સફાઈ અભિયાન
- સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતાનો ભાવ કેળવવા રાજયપાલની અપીલ
રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે ગૂજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત દરમિયાન શ્રમદાન કર્યું હતું. મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. પૂજ્ય ગાંધીજી દ્વારા સ્થાપિત વિદ્યાપીઠમાં શ્રમદાન કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતાની પ્રેરણા આપી સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત મિશન અભિયાન પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ’સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના જન-જનમાં વધુ સુદ્રઢ કરવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.
શ્રમદાનમાં રાજયપાલ સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલ,વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ નિખિલ ભટ્ટ સહિત ગુજરાત વિદ્યાપીઠના અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.