- ભક્તો માટે યોગ્ય વ્યવસ્થાઓ જાળવવા સરકાર સજજ: વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાકુંભ મેળામાં ચાર ચાંદ લાગશે
મહાકુંભ 2025માં દિવ્યતા, ભવ્યતા અને નવીનતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. સંગમ વિસ્તારને અનોખી શૈલીમાં શણગારવામાં આવી રહ્યો છે. તે જ સમયે, સંગમના પૌરાણિક, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સાથે હિન્દુ આસ્થા સાથે સંકળાયેલા દેવી-દેવતાઓના મંદિરોને નવેસરથી શણગારવામાં આવી રહ્યા છે. મહા કુંભ મેળામાં આવતા અંદાજે 40 કરોડ ભક્તો, અને પ્રવાસીઓએ માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પુર ઝડપે ચાલી રહી છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે જાન્યુઆરી 2025માં યોજાનાર આ મહાકુંભમાં લગભગ 40 કરોડ ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે. ત્રિવેણી કિનારે આવતા દરેક ભક્તની ઈચ્છા અને પસંદગી હોય છે કે તે ત્રિવેણી સંગમથી ગંગા જળ પોતાના ઘરે લઈ જાય.
મહા કુંભ મેળો એ પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો તહેવાર છે, જ્યાં લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળમાં ડૂબવા માટે ’ત્રિવેણી સંગમ’માં આવે છે. આ આત્માના શુદ્ધિકરણનું પ્રતીક છે અને માનવામાં આવે છે તેમ, મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રદાન કરે છે. મહાકુંભ 2025 માટે આવનારા કરોડો ભક્તોને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર હવે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર જ ત્રિવેણીનું પાણી આપશે, જેની જવાબદારી સ્વસહાય જૂથની મહિલાઓને સોંપવામાં આવી છે.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં પ્રયાગરાજમાં મહા કુંભના ઈતિહાસની વાતો વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો અને થીમ આધારિત પ્રદર્શનો દ્વારા કરવામાં આવશે. દાખલા તરીકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, મ્યુઝિયમ્સ અને આર્કાઈવ્સ હસ્તપ્રતો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને દેશના વિવિધ ભાગોમાંથી કુંભની પરંપરાની થીમ પર મુખ્યત્વે ડિજિટલ પ્રદર્શનનું સંયુક્તપણે આયોજન કરી રહ્યા છે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સમુદ્રમંથન જેવા પ્રોડક્શન્સ અને કુંભ મેળાને લગતા અન્ય નાટકો ભજવવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. સંસ્કૃતિ મંત્રાલય અને યુપી સરકાર સંયુક્ત રીતે સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરશે. રાજ્ય સરકાર 10,000 લોકોની બેસવાની ક્ષમતા ધરાવતું ’ગંગા પંડાલ’ બનાવવાની તૈયારી કરી રહી છે, જેમાં વધુ ત્રણ સ્ટેજ, દરેકમાં 4,000ની બેઠક ક્ષમતા ઊભી કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. જેમાં વિવિધ રાજ્યોના ખ્યાતનામ, શાસ્ત્રીય અને લોક કલાકારો આ મેળામાં ભાગ લેશે.
સાહિત્ય કલા એકેડમી, અન્ય સંસ્થાઓ સાથે મળીને પુસ્તક પ્રદર્શનો, પરિસંવાદો અને ચર્ચાઓ દ્વારા પુસ્તકોના પ્રકાશનો પ્રદર્શિત કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સાંસ્કૃતિક ડોક્યુમેન્ટ્રી દર્શાવવા અંગે વિચાર કરી રહી છે.