- ગાંધીનગર ખાતે આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ નિવડયો: ભાજપ પરિવારમાં ઘેરો શોક
કોરોના બાદ દેશભરમાં યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ખૂબજ વધી ગયું છે. શિયાળાની સિઝન શરૂ થતા જ હાર્ટએટેક હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવકતા જયેશભાઈ વ્યાસનું ગઈકાલે રવિવારે રાત્રે ગાંધીનગર ખાતે સિવિયર હાર્ટ એટેકથી નિધન થતા ભાજપ પરિવારમાં ઘેરો શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
જયેશભાઈ વ્યાસ મુળ રાજકોટના વતની છે. તેઓ દૂરદર્શનના પ્રેઝન્ટર તરીકેની જવાબદારી નિભાવતા હતા છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવકતા તરીકે પણ કાર્યરત હતા તેઓ ટીવી ડિબેટમાં પણ ભાગ લેતા હતા. આ ઉપરાંત જયેશભાઈ વ્યાસ 2013થી 2021 સુધી ગુજરાત પ્રદેશ ભાજપના બૌધ્ધીક સેલના ક્ધવીનર પદે જવાબદારી નિભાવી ચૂકયા છે. અમદાવાદ સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી ચૂકયા છે.
ગઈકાલે રવિવારે જયેશભાઈ વ્યાસ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને જમ્યા બાદ બાથરૂમમાં ગયા હતા જયાં તેઓને સિવિયર હાર્ટએટેક આવ્યો હતો.
તાત્કાલીક તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. તેઓની ઉમર 55 વર્ષની હતી અનેક ટીવી ચેનલોની રાજકીય ડિબેટમાં ચર્ચા કરતા નજરે પડતા હતા.
એક યુવા અને કર્તવ્યનીષ્ઠ કાર્યકરના અકાળે અવસાનથી ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
પ્રદેશ ભાજપના સંગઠનના હોદેદારો રાજય સરકારના મંત્રીઓ, ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. જયેશભાઈ વ્યાસ ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના પૂ. લાલબાપુના અનન્ય સેવક હતા.