જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી એક વખત કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તરીય રાજયોમાં થઈ રહેલી સતત બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે રાજયમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. કચ્છનું નલીયા આજે ૭.૨ ડિગ્રી સાથે ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયું હતું. આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજયમાં હજુ ઠંડીનું જોર વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીરમાં થયેલી બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે રાજયમાં ઠંડીનું જોર વધ્યું છે. નલીયા આજે ૭.૨ ડિગ્રી સાથે ઠંડુગાર બની ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. જૂનાગઢમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જૂનાગઢ આજે ૧૦.૪ ડિગ્રી સાથે ઠુંઠવાયું હતું. તો ગીરનાર પર તાપમાનનો પારો ૬ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને પવનની ઝડપ સરેરાશ ૪ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જૂનાગઢમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે માત્ર દોઢ ડિગ્રીનો તફાવત હોવાના કારણે દિવસભર કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટમાં પણ આજે ઠંડીનું જોર વધ્યું છે. લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થતા સવારના સમયે લોકોએ હાડ થ્રિજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે શહેરનું લઘુતમ તાપમનાન ૧૩.૧ ડિગ્રી સેલ્સીયસ નોધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ઉત્તરીય રાજયમાં બરફવર્ષાની અસરતળે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજયભરમાં ઠંડીનું જોર યથાવત રહેશે. વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. ઉત્તરાણના તહેવાર બાદ એકાએક ગરમી શરૂ થઈ ગઈ હતી. દરમિયાન છેલ્લા બે દિવસથી ફરી ઠંડીનું જોર વધતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.