- અત્યાર સુધીમાં 42 બ્લોક્સના 504 ફ્લેટસ તોડી પડાયા: હજુ 15 જર્જરિત બ્લોકમાં કામગીરી ચાલુ
જામનગર તા 1, જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા વધુ ચાર જર્જરીત બ્લોકના 48 ફ્લેટનું ડિમોલેશન કરાયું હતું, અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બુલડોઝર ફેરવી વધુ ચાર બ્લોકને જમીનદોસ્ત કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 42 બ્લોકના ૫૦૪ ફ્લેટ તોડી પડાયા છે, જ્યારે હજુ ૧૫ બ્લોક અતિ જર્જરિત હોવાથી નોટિસ આપી તેને પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરમાં ગઈકાલે શનિવારે નવી સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મદદથી વધુ ૪ બ્લોક્સનું ડિમોલીશન કરવામાં આવતા હાઉંસીંગ બોર્ડ દ્વારા ખાલી કરાવીને તોડી પડાયેલા બ્લોક્સની સંખ્યા ૪૨ ઉપર પહોંચી છે.
ગત વર્ષે તા.૧૩મી જુને હાઉસીંગ બોર્ડની નવી સાધના કોલોનીનો બ્લોક નંબર એમ-૬૯નો અડધો ભાગ તુટી પડતાં એક સગર્ભા મહિલા, તેના પતિ અને પુત્રીનો ભોગ લેવાયો હતો. બાદમાં જેના સામે સતત નબળા બાંધકામની વર્ષોથી ફરિયાદ ઉભી છે. તેવા હાઉસીંગ બોર્ડના અધિકારીઓ દ્વારા સાધના કોલોનીના તમામ ફ્લેટ ધારકોને ઈમારત જર્જરિત હોવાથી ખાલી કરીને અન્ય સ્થળે ચાલ્યા જવાની નોટીસો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને સાથે સાથે જયાં બ્લોક પડી ગયો હતો તે બ્લોકના બાકીના હિસ્સા અને તેની આસપાસના બ્લોક્સ દુર કરવાની કાર્યવાહી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી.
- જે બાદ કટકે-કટકે બે, ચાર, છ, દસ, બાર બ્લોક્સના ડિમોલીશન હાથ ધરવામાં આવ્યા હતા.
દરમિયાન ગઈકાલે શનિવારે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ઈજનેર નિતિન દિક્ષિત, દબાણ નિરિક્ષક અનવરભાઈ ગજણ, ઉપરાંત સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા વગેરે ની ટીમની મદદથી હાઉસીંગ બોર્ડ દ્વારા બ્લોક નંબર-107 , ૧૦૮, ૧૦૯, ૧૧૦ એમ કુલ ચાર બ્લોક્સનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. હવે આ કોલોનીમાં ડિમોલીશન કરાયેલા બ્લોક્સની સંખ્યા ૪૨ ઉપર પહોંચી છે. જયારે હજુ ૧૫ બ્લોક અતી જર્જરીત હોવાથી હાઉસિંગ બોર્ડ ની ટીમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ તે તમામ બ્લોકસ ને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
અહેવાલ : સાગર સંઘાણી