- વલસાડ સેલવાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર પથ્થર સાથે અથડાઈ પલટી મારી
- સુરતના 4 યુવકોના મોત
- દૂઘનીના પ્રવાસથી પરત સુરત આવતી વખતે અકસ્માત
- ચાલકે કાબૂ ગુમાવતા કાર પથ્થર સાથે ટકરાઈ હતી
Valsad : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. આ દરમિયાન કાર પથ્થર સાથે ટક્કરાયા બાદ પલટી મારી જતાં કારમાં સવાર 4 યુવકોના મોત નીપજ્યાં છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘાટ પરથી નીચે ઉતરતી વખતે ચાલકે કાબૂ ગુમાવતા કાર પથ્થર સાથે અથડાઈ હતી. આ સમગ્ર બનાવના પગલે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના 5 મિત્રો કાર લઇને દાદરા નગર હવેલીના દૂધની પ્રવાસે ગયા હતા. તેમજ દૂધનીનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત સુરત તરફ આવી રહ્યાં હતા. ત્યારે ખાનવેલ તરફ જતી વખતે કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ ઉપરાંત ચાલકે મોટી દુર્ઘટના ટાળવા માટે કારને પથ્થર સાથે અથડાવી દીધી હતી. જોકે કાર પથ્થર સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઇ હતી. આ ઉપરાંત અકસ્માતના પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરી હતી. અકસ્માતની આ ઘટનામાં 4 યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન પોલીસે ચાર મૃતદેહોને PM અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. વઘુ માહિતી અંગે પોલીસે અકસ્માત દરમિયાન વધુ તપાસ હાથ ધરી છે.