- આજે છઠ્ઠા દિવસે ‘બાપુ’એ વૃઘ્ધ અને વૃક્ષના વિવિધ ગુણોની વાત કરી
- દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી
માનસ સદભાવના રામકથાના છઠ્ઠા દિવસે પૂ. મોરારિબાપુએ વૃક્ષોનું મહિમા ગાન કરતાં જણાવ્યું કે બુદ્ધત્વ હંમેશા વૃક્ષ નીચે પ્રગટે છે. તેમણે ઉમેર્યું કે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ ગામડે ગામડે અલગ અલગ વન તૈયાર કરાવ્યા અને પહેલી વખત વૃક્ષ મંદિર જેવો શબ્દ આપણને આપ્યો. પૂ. મોરારિબાપુએ કહ્યું કે પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો અને તેને ક્યારેય કાપો નહીં.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે શંકરાચાર્યની પરંપરામાં પણ વટ વૃક્ષનો મહિમા છે ત્યાં વટ વૃક્ષ નીચે વૃદ્ધો ગુરુજીના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વન અને જંગલમાં ફેર છે. વનમાં શરણાગતિ અને સાધના થાય કે જ્યારે જંગલમાં શિકાર થાય છે. સીતાજીએ ભગવાન રામ સાથે વનમાં જવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે વનના દેવી અને દેવતાઓ પોતાનું સાસુ અને રાખશે માટે જ્યારે વૃક્ષ વાવો ત્યારે તેને નાડાછડી બાંધીને સીતા રક્ષાબંધન કરી રહ્યા હોય તેવો ભાવ રાખજો.
પૂ. મોરારિબાપુએ ગઈ કાલે જે પાંચ પ્રકારના વૃક્ષોની વાત કરી હતી તેમાં ચંદનનું વૃક્ષ ચોરીના હેતુથી કપાઈ જવાની શક્યતા હોવાનું ધ્યાન દોરવામાં આવતા પૂ. મોરારિબાપુએ કહ્યું કે આપણે પ્રેક્ટિકલ થઈએ અને ચંદનને બદલે કોઈ પણ વૃક્ષ પહેલા વાવો તેને ગણેશનું વૃક્ષ ગણજો.
પૂ. મોરારિબાપુએ કહ્યું કે 29 નવેમ્બર, શુક્રવારેપ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીનો જન્મ દિવસ હોય સાધુ સંતોનો મિનિ કુંભ થવાનો છે ત્યારે કથા સમય સવારે 9:30 નો રહેશે. આજની કથામાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી સહિતના સંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજે પૂ. મોરારિબાપુની રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પૂ. મોરારિબાપુએ રામાયણની ચોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વૃદ્ધ અને વૃક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વૃક્ષોની કેવી જરૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી.
- દાતાઓએ આજે પણ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી.
- અંજનીના જાયાએ સેલ્ફી રસિયાઓ માટે આકર્ષણ જમાવ્યું
સ્માર્ટ ફોન સામાન્ય માણસ માટે પણ હાથવગા થતા યુવા વર્ગથી માંડીને વયસ્ક લોકોમાં સેલ્ફીનું અજબ-ગજબનું આકર્ષણ જોવા મળે છે. લોકો અલગ-અલગ અંદાજમાં સેલ્ફી લઈને મોબાઈલ વોટ્સએપ સ્ટેટસ, ફેસ બુક, ઇન્સટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરી લોકોની વાહવાહી મેળવે છે. ત્યારે રાજકોટમાં માનસ સદભાવના આયોજિત મોરારી બાપુની રામકથામાં અંજનની જાયા એટલે કે હનુમાનજીની પ્રતિમા રાખવામાં આવી છે. લાખોની મેદની દરરોજ અહીં મોરારી બાપુને સાંભળવાનો લ્હાવો લે છે ત્યારે અંજનીના જાયાએ સેલ્ફી રસિયાઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે
પૂ.મોરારીબાપુની કથામાં ધોળકિયા સ્કૂલની પણ સદ્ભાવના
સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી માનસ સદ્ભાવના કથાનું આયોજન કરાયું છે. આ કથા વૃદ્ધો અને વૃક્ષો માટે કરવામાં આવી રહી છે. આ કથામાં રાજકોટ સહિત દેશ-વિદેશમાંથી પણ મહેમાનો અને લોકો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે રાજકોટથી શ્રાવકો વિનામૂલ્યે કથા સ્થળે પહોંચી શકે અને ત્યાંથી પરત ફરી શકે તે માટે રાજકોટમાં 8 સ્થળે બસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. લોકોને તકલીફ ન પડે તે હેતુથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. મવડી ગામથી બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બિગબજાર, કે.કે.વી.હોલ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ થઇને રેસકોર્સ ગ્રાઉન્ડ અને પી.ડી.માલવિયાથી ગોકુલધામ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશૂલ ચોક, વિરાણી ચોક, સહિતના વિસ્તારમાં ધોળકિયા સ્કૂલના દ્વારા 23 બસ ફાળવવામાં આવી છે સાથે ડ્રાઇવરો પણ સેવા આપી રહ્યા છે આવી નિશુલ્ક સેવા માટે ધોળકિયા સ્કૂલની પણ સદભાવના ગણાય છે
- કથામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ’તીસરી આંખ’ દ્વારા પોલીસની બાજ નજર
- 55 સીસીટીવી કેમેરા મારફત સતત મોનીટરીંગ : 140 જવાનોનો ચાંપતો બંદોબસ્ત
રાજકોટ શહેરની મધ્યે રેસકોર્સ ગ્રાઉન્ડમાં સદભાવના માનસ કથાનું નવ દિવસીય ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. પૂજ્ય સંત મોરારીબાપુની વ્યાસપીઠે આયોજિત રામકથાનું રસપાન કરવા સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટી પડતા હોય છે ત્યારે આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને નવ દિવસીય આયોજનનું સફળતાપૂર્વક પુર્ણાહુતી થાય તેના માટે રાજકોટ પોલીસે વિશેષ તૈયારીના ભાગરૂપે કથા સ્થળે કુલ 55 સીસીટીવી કેમેરા મારફત મોનીટરીંગ શરૂ કર્યું છે. કથા સ્થળ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરવા માટે ત્રણ પોલીસ જવાનો વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે જવાનો સતત કથા સ્થળનું મોનીટરીંગ કરી રહ્યા છે. ઉપરાંત કથા સ્થળ પર કુલ 140 જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે સતત અનિચ્છનીય બનાવને રોકવા માટે ફરજ બજાવી રહ્યા છે.
સાંદીપની ગુરૂકુળ-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તરફથી પાંચ લાખ રૂપિયાનું અનુદાન
માનસ સદભાવના રામકથાના છઠા દિવસે સાંદીપની વિધ્યાપીઠના પ્રખર ભાગવત આચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા એવું જણાવ્યું હતું કે સદભાવના એ વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ જેવા યજ્ઞનો આરંભ કરી ધરતીમાતાનો ચૂંદડી ઓઢાડવાનો મનોરથ કર્યો છે. વૃક્ષો કાપવા એ પાપ છે અને વૃક્ષો કાપવા એટલે પૃથ્વીના ફેફસાં કાપવા બરાબરનું કૃત્ય છે. આપણાં વૈદ્યો પણ જડીબુટી લેવી હોય ત્યારે તેને નોતરે છે, અગાઉથી જાણ કરે છે. ઔષધિઓના સ્વામી ચંદ્રમાં ને પણ પ્રાર્થના કરે છે. તેમજ જડીબુટી કાપતા પહેલા તેનું પૂજન કરી પગે લાગી પછી જ જડીબુટી મેળવે છે. આપણી સનાતન ધર્મની આ સંવેદનશીલ પરાકાષ્ઠા છે.
પૂ. ભાઈશ્રીએ ચાર આશ્રમનું વર્ણન કરતાં એવું જણાવ્યું હતું કે બ્રહ્મચર્ય આશ્રમમાં ભિક્ષાટન થઈ શકે છે, સન્યાસ આશ્રમમાં પણ આ પરંપરા છે. ગૃહસ્થ આશ્રમમાં પોતાની આવકના દસ ટકા પરમાર્થ માટે વાપરવામાં આવે છે પરંતુ વાનપ્રસ્થ આશ્રમમાં ભિક્ષાટન કરવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા નથી માટે વૃદ્ધો હાથ લંબાવી શકે નહીં એવા સમયે સદભાવના વૃદ્ધાશ્રમે વૃદ્ધો સન્માનપૂર્વક નિવૃત્તિ ગાળો શાંતિથી પસાર કરી શકે તેવો યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ અને પૂ. મોરારિ બાપુના માર્ગદર્શન સાથે રાજકોટ રામમય બની આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યું છે.
પૂ. ભાઈશ્રીએસનાતની ધર્મ શૈલીનો ઉલ્લેખ કરી સદભાવના વૃદ્ધાશ્રમની આ સેવાને કર્મયજ્ઞ હોવાનું જણાવ્યું હતું. જેમ ખાદી માત્ર વસ્ત્ર નથી એક વિચાર છે તેમ સનાતન ધર્મ પણ માત્ર વસ્ત્ર નથી એક વિચાર છે. પૂ. ભાઈશ્રીએ સદભાવનાના આ સેવા કર્મ યજ્ઞમાં આહુતિ અર્પણ કરવાની જાહેરાત સાથે સાંદીપની ગુરુકુળ તરફથી 5 લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. માનસ સદભાવના કથામાં સભા સંચાલન કરતાં મિત્તલ ખેતાણીએ પૂ. ભાઇશ્રીનો પરિચય આપતા એવું પણ જણાવ્યું હતું કે પૂ. ભાઈશ્રીએ સદભાવનના સેવા કાર્યોને બિરદાવી ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ સેવા કાર્ય કરવા હોય તો સદભાવનાને સાથે રાખી કરો તો વધુ સારા પરિણામ મળી શકે છે તેવો આશાવેદ વ્યક્ત કર્યો હતો.
પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીએ સમગ્ર રાજકોટ વતી પૂ. ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરતાં એવું જણાવ્યું હતું કે માનસ સદભાવના કથાના આજે છઠ્ઠા દિવસે પૂ. ભાઈશ્રીએ પોતાનું મૌન વ્રત હોવા છતાં આશીર્વાદના શબ્દો વ્યક્ત કરી નૈમિતિક ધર્મનું પાલન કર્યું છે.