- સતત દોઢ મહિના સુધી ઓવરફ્લો થવા છતાં
- રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં 2500 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરતું કોર્પોરેશન
ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં સતત દોઢ મહિના સુધી ઓવરફ્લો થયેલા અને હાલ છલોછલ ભરેલો આજી ડેમ આગામી 15મી જાન્યુઆરીએ સાથ છોડી દેશે. જ્યારે હાલ પૂરેપૂરો ભરેલો ન્યારી ડેમ 31મી માર્ચે ડૂકી જશે. શહેરીજનોને 31મી જુલાઇ સુધી નિયમીત 20 મિનિટ સુધી પીવાનું પાણી આપી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા રાજ્ય સરકારના નર્મદા, જળ સંપતિ અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી રાજકોટને સૌની યોજના અંતર્ગત 2500 એમસીએફટી નર્મદાના નીર ફાળવવાની માંગણી કરી છે અને આ પાણી આગામી 15મી જાન્યુઆરીથી શરૂ કરી દેવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે.
મ્યુનિ.કમિશનર દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 918 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતા આજી ડેમમાં હાલ 900 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા માટે ડેમમાંથી રોજ 145 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. 31મી જાન્યુઆરી સુધી ચાલે તેટલો જળ જથ્થો આજી ડેમમાં ઉપલબ્ધ છે. જ્યારે 1248 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતો ન્યારી ડેમ હાલ સંપૂર્ણ ભરેલો છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ન્યારીમાંથી 140 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. ન્યારી ડેમ 31મી માર્ચ સુધી સાથ આપશે ત્યારબાદ તેમાંથી પાણી ઉપાડી શકાશે નહિં. રોજ 420 એમએલડી પાણીની જરૂરિયાત છે. શહેરની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે જળસ્ત્રોતમાં કોઇ પ્રકારનો વધારો થતો નથી. જેના કારણે મહિનાઓ સુધી જળાશયો ઓવરફ્લો થતા હોય તો પણ ચોમાસુ પૂર્ણ થયા બાદ બે થી ત્રણ મહિના પછી સરકાર પાસે ખોળો પાથરવો પડે છે. જાન્યુઆરીના અંતથી આજી ડેમમાંથી અને માર્ચના અંતથી ન્યારી ડેમમાંથી પાણી ઉપાડવું અઘરૂં બની જશે. આવામાં રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે 2500 એમસીએફટી નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે.
31મી જુલાઇ-2025 સુધી શહેરમાં નળ વાટે 20 મિનિટ પાણી આપી શકાય તે માટે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 1800 એમસીએફટી અને ન્યારી ડેમમાં 700 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. આજી ઉત્તરાયણ પછી જ્યારે ન્યારીમાં 15-ફેબ્રુઆરી પછી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.