- નાના કારીગરો પોતાની પ્રોડકટસનું એક જ સ્થળે વેચાણ કરી શકશે
નાના ઉઘોગકારો અને કારીગરો પોતાની પ્રોડકટસનું વેચાણ એક જ સ્થળે કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા સુરતની માફક રાજકોટ અને વડોદરામાં પણ યુનિટી મોલની શરૂઆત કરવામાં આવશે. તેમ નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેર કરતા મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું.
કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની વિશેષ ઉપસ્થિતિમાં ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’નું વિમોચન- જાહેરાત કરવામાં આવી છે.
તેઓએે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે 8.75 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂ. 8 લાખ થી વધારીને રૂ. 25 લાખ અને સબસિડીની મર્યાદા રૂ. 1.25 લાખ થી વધારીને રૂ. 3.75 લાખ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોટા સાથે નાના ઉદ્યોગોના કારીગરોને ફાયદો થાય તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આ વર્ષે અંદાજિત 150 જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ ’યુનિટી મોલ’ની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે રૂ. 70,000ની સહાય અને પ્રોટોટાઈપ માટે મહતમ રૂ. 20,000 સહાય આપશે. આજે ગુજરાતનું વિકાસ મોડેલ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, ત્યારે રાજ્યના કારીગરો પાછળ ન રહી જાય તેની સરકાર સતત ચિંતા કરે છે. રાજ્ય સરકાર દ્વારા વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે
છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ કર્યા છે. રાજ્યનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાની કલા-કારીગરી બહાર લાવી અને સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવી તેને રજૂ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા આ કારીગરોની પ્રોડક્ટ્સને તાલુકા કે જિલ્લા પૂરતી નહીં પરતું આખા રાજ્યમાં તથા દેશ વિદેશમાં વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટ્સનું ઘરે બેઠા દેશ-વિદેશમાં વેચાણ કરી શકાશે. રાજ્ય સરકારના સહયોગથી ગઈંઉ અને ગઈંઋઝ જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમની પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવક્તાયુક્ત બનશે અને આ પ્રોડક્ટ્સ ખરીદવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. ‘લોકલ ફોર વોકલ’ને પ્રોત્સાહન આપવા આવનાર સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની વિસ્તૃત માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ્સ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે