- મુંબઈમાં દાખલ થયેલી સાત વર્ષ જૂની ફરિયાદને રદ્દ કરી દેતી સુપ્રીમ કોર્ટ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે, અગાઉથી જ પરિણીત મહિલા અન્ય પુરુષ સાથે લગ્નની લાલચમાં આવી સહમતીથી શારીરિક સંબંધ બાંધે તો તે બાબતનો સમાવેશ બળાત્કારની શ્રેણીમાં કરી શકાતો નથી. અદાલતે નોંધ્યું છે કે, આવા કિસ્સાઓમાં પુરુષ સામે બળાત્કારના આરોપો લગાવી શકાય નહીં.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો મુંબઈના ખારઘર પોલીસ સ્ટેશનમાં મહેશ દામુ ખરે વિરુદ્ધ એક મહિલાએ દાખલ કરેલી સાત વર્ષ જૂની એફઆઈઆરને રદ કરતાં જસ્ટિસ બી વી નાગરથના અને એન કોટીશ્વર સિંહની ખંડપીઠે જણાવ્યું હતું કે, એક ચિંતાજનક વલણ છે કે સહમતિથી સંબંધો લાંબા સમય સુધી ચાલે છે પણ ત્યારબાદ સંબંધમાં ખટાશ આવતા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, લગ્ન કરવાના વચનના ભંગની ફરિયાદના આધારે જાતીય સંબંધ માટે સંમતિ મેળવવામાં આવી હતી તેવું સ્પષ્ટ છે. અદાલતના જણાવ્યા અનુસાર એક પરિણીત પુરુષ અને વિધવા વચ્ચેનો અફેર 2008 માં શરૂ થયો હતો. મહિલાએ જણાવ્યું હતું કે આરોપીએ લગ્ન કરવાનું વચન આપ્યા પછી શારીરિક સંબંધ બંધાયો હતો. સામાપક્ષે આરોપી ખરેની પત્નીએ ફરિયાદી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એવી પરિસ્થિતિમાં જ્યાં મહિલા બધું જાણતી હોવા છતાં લાંબા સમય સુધી શારીરિક સંબંધ જાળવે છે ત્યારે નિશ્ચિતપણે કહી શકાતું નથી કે કથિત શારીરિક સંબંધ ફક્ત પુરુષ દ્વારા લગ્ન કરવાના કથિત વચનને કારણે હતો. આ અવલોકનના આધારે સુપ્રીમ કોર્ટે દુષ્કર્મનો આરોપ ફગાવી દીધો હતો.