- 1.32 આઈએમઈઆઈને પણ બ્લોક કરી દેવાયારૂ.3431 કરોડ ડિજિટલ ફ્રોડમાં જતાં અટકાવી લેવાયા
દેશભરમાં સાયબર ફ્રોડ સહિતના ડિજિટલ સ્કેમના કિસ્સાઓમાં દિનપ્રતિદિન ઉછાળો નોંધાઈ છે. સાયબર ગઠીયાઓ યેનકેન પ્રકારે લોકોને છેતરી આર્થિક સહિતના અંગત લાભ સિદ્ધ કરી લેતા હોય છે ત્યારે સાયબર ફ્રોડને અટકાવવા માટે કેન્દ્ર સરકારે 15 નવેમ્બર સુધીમાં કુલ 6.7 લાખ સીમકાર્ડ અને 1.32 લાખ આઈએમઈઆઈને બ્લોક કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાયબર ગુનાઓને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે પોલીસ અધિકારીઓ દ્વારા નોંધાયેલા 6.7 લાખ સિમ કાર્ડ અને 1.32 લાખ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (આઈએમઈઆઈ) નંબર બ્લોક કર્યા છે. બુધવારે રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી સંજય કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી) એ ભારતીય મોબાઇલ નંબરો પરથી આવતા આંતરરાષ્ટ્રીય સ્પુફ કોલ્સને ઓળખવા અને બ્લોક કરવા માટે પગલાં લીધાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં સાયબર ગુનેગારો દ્વારા ડિજિટલ અરેસ્ટ, ફેડએક્સ કૌભાંડ અને સરકારી અને પોલીસ અધિકારીઓ તરીકે ઢોંગ કરવાના કેસમાં આવા આંતરરાષ્ટ્રીય સ્પુફ કોલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે ટીએસપીને આવા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ સ્પુફ કોલ્સ બ્લોક કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, 15 નવેમ્બર 2024 સુધીમાં, 6.7 લાખથી વધુ સિમ કાર્ડ અને પોલીસ અધિકારીઓ દ્વારા નોંધાયેલા 1.32 લાખ આઈએમઈઆઈ ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આઈફોરસી સિસ્ટમ હેઠળ નાગરિક નાણાકીય સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ નાણાકીય છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ભંડોળના ગેરઉપયોગને રોકવા માટે વર્ષ 2021 માં શરૂ કરવામાં આવી છે.
મંત્રીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 9.94 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 3,431 કરોડથી વધુની નાણાકીય રકમને ડિજિટલ ફ્રોડમાં જતી બચાવી લેવામાં આવી છે.