નર્મદા જિલ્લામાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તા.06 થી 20મી નવેમ્બર-2024 દરમિયાન 15 દિવસના જળ ઉત્સવ અભિયાન યોજાયું હતું. નાંદોદ તાલુકાના જીતગઢ ગામની પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભાયેલા અભિયાનનો આજે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર પખવાડિયા દરમિયાન નર્મદા જિલ્લાના નાગરિકોમાં જળ વ્યવસ્થાપન, જળ સંચય અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
જેમાં જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન), પાણીની ગુણવત્તાની ચકાસણી માટે શિક્ષકો-સખી મંડળોને તાલીમ અને કિટ વિતરણ, પીવાના પાણીનો પુરવઠો ઝીરો લીકેજ એટલે કે લિકેજ બંધ કરી પાણીનો વેડફાટ દૂર કરવો, એક પેડ “માં” કે નામ પાણીના વિષયને કેન્દ્રમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ ગામડાઓની પાણીસમિતિ અને નાગરિકોની સહભાગીતાથી કરવામાં આવી હતી.
સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ગામોની પાણી સમિતિના સભ્યો અને યુવાનોને સંબોધતા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, ભાવિ પેઢીને જીવનમાં પાણીની અમૂલ્ય ભેટ આપવા અને પાણીના ટકાઉપણા માટે લોક જાગૃતિ અતિ આવશ્યક અને જરૂરી છે. જમીનમાંથી પાણીના શ્રોત ઓછા થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સિંચાઈ અને પીવા માટે નદી-કેનાલ આધારિત પાણીનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવા લોકોને જાગૃત કરવા, જમીનમાંથી જેટલું ઓછું પાણી ખેંચીએ એટલું જ ભાવિ પેઢીને ઉપયોગી થઈ શકશે તે માટે એટલા જ પાણીનો જળ સંચય-સંગ્રહ-જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ ભગીરથ પ્રયાસ છે.
જેમાં એક જવાબદાર નાગરિક તરિકે જિલ્લામા નાગરિકોની સહભાગીતા વધે અને પાણી બચાવવા માટે તેને જમીનમાં વાવવું પડશે, ઉગાડવું પડશે, હાર્વેસ્ટ કરવું પડશે તો જ તે પાણી છોડને ઉગાડવામાં મદદરૂપ બનશે અને પાણી ઉગશે તેમ કલેક્ટરએ જળ સંચયની ચિંતા કરીને આ ભગીરથ પ્રયાસમાં ભાગીદાર બનવા જિલ્લામા નાગરિકોને અપીલ કરી હતી. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં યોજાયેલા આ જલ ઉત્સવ અભિયાન દરમિયાન હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થયેલા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વાસ્મોના યુનિટ મેનેજર વિનોદભાઈ પટેલ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને વિવિધ ગામોની પાણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.