- પૂ. મોરારીબાપુએ શિવજીના પાર્વતી સાથેના લગ્નનું યથાતથ વર્ણન કર્યુ: તેમજ લોકોને બે-ત્રણ જોડી ખાદીના કપડા ખરીદી કરવા ભલામણ કરી
માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ પોતાનો વાણી પ્રવાહ વહેતો કરતાં જણાવ્યું કે રામાયણના બધા જ કાંડમાં વૃક્ષ, વન અને વૃદ્ધનો મહિમા છે. લંકામાં પણ ખૂબ વૃક્ષો હતા એવું રામાયણ કહે છે. દરેક કાંડમાં માત્ર વૃક્ષો નહીં આખા આખા વનનું વર્ણન છે એવી જ રીતે રામાયણમાં રામના પૂર્વજ દિલીપ રાજા યુવાન હીવા છતાં અલગ પ્રકારે વૃદ્ધ દર્શાવાયા છે. તેઓ જ્ઞાન વૃદ્ધ, વૈરાગ્ય વૃદ્ધ, ધર્મ વૃદ્ધ અને વિધ્યા વૃદ્ધ હોવાનો ઉલ્લેખ છે.
પૂ. મોરારિબાપુએ કહ્યું કે દિલીપ રાજા પછી કેટલાય વૃદ્ધોનો રામાયણમાં ઉલ્લેખ છે તેમાં કુંભજ ઋષિ, જટાયું, અત્રિ, શબરી, નારદ, જામવંત, ત્રીજટા, રાવણ અને હિમાલય આ બધા જ વૃદ્ધ છે. વૃદ્ધનું કામ છે યુવાનોને જગાડવા, તેમણે કાર્ય માટે પ્રવૃત્ત કરવા.
પૂ. મોરારિબાપુએ યુવાનોને વિવિધ પ્રકારના તપ કરવા કહ્યું તેમાં સત્ય વ્રત, મૌન વ્રત, સંયમ વ્રત અને ધૈર્ય વ્રત મુખ્ય હોવાનું જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે આ પૃથ્વી જ્ઞાન, યજ્ઞ, વૈરાગ્ય, દીક્ષા અને તપસ્યા થકી ટકી છે. પૂ. મોરારિબાપુએ શિવજીના પાર્વતી સાથેના લગ્નનું યથાતથ વર્ણન કર્યું જેમાં ઘણી સાત્વિક રમૂજ પણ કરી હતી. આ અવસરે તેમણે લોકોને બે ત્રણ જોડી ખાદીના કપડાં વસાવવા પણ ભલામણ કરી.
સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે યોજાયેલી માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ દરેક પરિવારને જે પાંચ વૃક્ષો વાવીને પંચગ્રહ અને પંચવટીની સ્થાપના કરવા અપીલ કરી હતી. એમાં આજે પાંચ દેવોના પાંચ વૃક્ષો ક્યા છે તે પ્રારંભે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડલો રોપો ત્યારે માતૃભાવ રાખજો કારણ કે કથા વડલા નીચે ગવાઈ છે માટે વડલો દુર્ગાનું વૃક્ષ છે. પીપળો વિષ્ણુનું વૃક્ષ છે કેમ કે શ્રીમદ ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું.
પૂ. મોરારિબાપુએ લીમડાને સૂર્યનું વૃક્ષ કહ્યું. બિલી શિવનું વૃક્ષ છે તો ચંદન ગણેશનું વૃક્ષ હોવાનું તેમણે જણાવ્યું. સાથે સાથે ગુરુત્વાકર્ષણના નિયમને અવગણીને ઊર્ધ્વ ગમન કરતાં તત્વોમાં જળ, પળ, અગ્નિ, કમળ વગેરે હોવાનું જણાવ્યું હતું.
આજે પૂ. મોરારિબાપુની રામકથાના પાંચમાં દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પૂ. મોરારિબાપુએ રામાયણની ચોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વૃદ્ધ અને વૃક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વૃદ્ધો અને વૃક્ષોની કેવી જરૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી.
પૂ. મોરારિબાપુએ માનસ સદભાવના રામકથાને વૈશ્વિક નહીં પરંતુ ત્રિભુવનીય રામકથા ગણાવી આજે પણ તેનો ઉલેખ્ખ કર્યો હતો. દાતાઓએ આજે પણ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી. દેશના અને વિદેશના દાતાઓએ એક રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધીની દાનની સરવાણી વહાવી હતી.
મોરારીબાપુ એ ભાખેલું કે આ રામકથા એ ત્રિભુવનિય બની રહેશે એ રામકથા અને જયસિયારામ નો સાદ અને નાદ સાંભળી ખાસ લંડન થી લોર્ડ ડોલર ભાઈ પોપટ પધાર્યા છે.લોર્ડ ડોલર ભાઈ પોપટ બ્રિટેન ના 15 વરસ થીસિનિયર સાંસદ છે, બ્રિટેન ની ક્ધસર્વેટીવ પાર્ટી ના પ્રથમ લોર્ડ છે, ત્યાં ના હાઉસ ઓફ લોર્ડસ માં નિમણૂંક પામેલા ડોલર ભાઈ ભારત સાથે બ્રિટેન ના સંબંધો વધુ મજબુત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
પોતે આજે જે કઈ છે એ મોરારીબાપુ ની કૃપા થી જ છે એવું તેઓ ગર્વપુર્વક જણાવે છે. લોર્ડ ડોલર ભાઈ પુજ્ય બાપુ ના આશીર્વાદ થી થઈ રહેલા સદભાવના વૃદ્ધાશ્રમ ના સેવાકીય કાર્યો થી અત્યંત પ્રભાવીત થયા અને અંતર થી શુભેચ્છાઓ પાઠવી.
લોર્ડ ડોલરભાઈ પોપટે ઉમેર્યું કે પૂ. મોરારિબાપુની આ રામકથા માનવતા માટે નવું પ્રકરણ શરૂ કરનારી છે કેમ કે સદભાવના વૃદ્ધાશ્રમની વડીલો અને વૃક્ષો માટેની આ કથા છે. તેમણે વૃદ્ધાશ્રમને નવી દ્રષ્ટિથી જોવા અને હકારાત્મક પગલું ગણવા લોકોને અપીલ કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વડીલોને સન્માન આપવું એ કર્તવ્ય મનાયું છે ત્યારે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને પૂરતું સન્માન મળે છે.
આજે ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખની જન્મ જયંતી હોય પૂ. મોરારિબાપુએ રમેશ પારેખને યાદ કરી કેટલાય કવિઓએ રમેશ પારેખ પર લખેલી કવિતાનો પૂ. બાપુએઉલ્લેખકર્યો.
આજે “માનસ સદભાવના” રામકથામાં પ. પૂ ડો. પરમાત્માનંદ સરસ્વતીજી, પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ, ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડ, યુ. કે ના સાંસદ લોર્ડ ડોલરભાઈ પોપટ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિ:સંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” શરુ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
શ્રાવકો માટે પાર્કિંગની સુંદર અને સુચારૂં વ્યવસ્થા જાળવતી સ્વયંસેવકોની ટીમ
વડીલો અને વૃક્ષોના જતન-સાર સંભાળના ઉમદા આશયથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ.મોરારી બાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યા છે ત્યારે ભજન અને ભોજનના આ અનોખા સંગમમાં રોજ 50 હજારથી વધુ શ્રાવકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લ્હાવો લઈ રહ્યા છે ત્યારે વિવિધ સમિતિમાં વ્યવસ્થા સુચારૂ વ્યવસ્થા જાળવવા માટે રાજકીય-સામાજિક-સેવાકીય ક્ષેત્રના વિવિધ આગેવાનો સ્વયંસેવક તરીકે નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપી રહ્યા છે.
આ રામકથા દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ માટે સુંદર અને સુચારૂ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહેલી સવારથી જ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. તેમજ રામકથાનું રસપાન કરવા આવનાર રાજકોટ તેમજ બહારગામથી આવેલા શ્રાવકોને કોઈ જાતની અસુવિધા ન પડે તે માટે સ્વયંસેવકો દ્વારા સ્થળ પર ફોર વ્હિલર અને ટૂ વ્હીલર પાર્કિંગ કરવા બાબતે તેમની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી જરૂરી દિશાસૂચન પણ આપવામાં આવે છે. આ તકે પાર્કિંગ વ્યવસ્થામાં સ્વયંસેવકોની ટીમ વ્યવસ્થા જાળવતી દ્રશ્યમાન થાય છે.
હાલમાં 150 શ્ર્વાનોને આશ્રય
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાંજોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ150 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ,ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારડિ કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રાજકોટમાં ચકલીના માળા વિતરણની અમૂલ્ય સેવા: પૂ. મોરારિબાપુ
માનસ સદભાવના કથા દરમિયાન આજે પૂ. મોરારિબાપુએ રાજકોટ શહેરની વિશિષ્ટ સેવા ચકલીના માળા વિતરણને યાદ કરી ભરપૂર પ્રશંસા કરી હતી. ઉલેખ્ખનીય છે કે આ પ્રસંગે એક ચકલી પણ કથા મંડપમાં આવેલા રામ ભગવાનના મંદિરમાં જોવા મળી હતી.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે રાજકોટમાં અનેક સંસ્થાઓ નિયમિત રીતે ચકલીના માળાનું વિતરણ કરે છે. જુદી જુદી જાતના ચકલીના માળા તૈયાર કરીને મોટે પાયે વિતરણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ચકલી માટેના નિવાસ સ્થાનની રાજકોટની આ વિશિષ્ટ સેવા મને બહુ ગમી છે. દરેક જગ્યાએ ચકલીના માળાનું વિતરણ થવું જોઈએ.
ગુજરાતી આપણી કુળદેવી છે
પૂ. બાપુએ આજે ગુજરાતીનો મહિમા કરતા જણાવ્યું હતું કે, અંગ્રેજી જરૂર જાણો, બાળકોને અંગ્રેજી ભણાવો પણ ગુજરાતીને ના ભૂલતા. આજે ઘણા માતા-પિતા અંગ્રેજીને મહત્વ આપે છે, પણ ગુજરાતી આપણી માતૃભાષા છે. કુળદેવી છે. ઘરમાં તો ગુજરાતીમાં વાત કરવી જ જોઈએ.
પૂ. મોરારિબાપુએ પ્રસાદ કક્ષની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કર્યો
પૂ. મોરારિબાપુએ એવું જણાવ્યું કે મારે રામકથાના પ્રસાદ કક્ષની મુલાકાત લેવી છે પણ મારે કારણે અવ્યવસ્થા સર્જાય એવું હું નથી ઈચ્છતો એટલે હું ત્યાં નથી જઈ શકતો ત્યારે આયોજકોએ તમામ વ્યવસ્થા જળવાશે એવી વિનંતી કરતાં પૂ. મોરારિબાપુએ આજે પ્રસાદ કક્ષની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે અન્ન બ્રહ્મ છે માટે આપ બ્રહ્મ ભોજન કરી રહ્યા છો. એવા ભાવ સાથે પ્રસાદ ગ્રહણ કરજો.
સદ્ભાવનાના વિશાળ પરીસરમાં 10,000 બળદોને પ્રવેશ અપાશે
સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમજ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો બળદ આપણી સંસ્કૃતિનો વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર, હાઈવે પર બળદ છુટા, રખડતા, લાચાર-બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર જોવા મળે તો તરત જ સદભાવના વૃધ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ-બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં 10,000 જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિ:શુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ 1600 જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ ખાતે આશરો અપાયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સદભાવના બળદ આશ્રમ, કાલાવડ રોડ,ખીરસરા અને દેવગામની ધાર, ગુફેશ્ર્વર મહાદેવનું મંદિર, ભૂમિ એગ્રોની પાછળ, રાજકોટ ખાતે કાર્યરત છે.
મહંત દેવપ્રસાદજી બાપુએ વૈશ્ર્વિક રામકથાનો લીધો લ્હાવો
આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવપ્રસાદજી બાપુએ વૈશ્ર્વિક રામકથા “માનસ સદભાવના” હાજરી આપી હતી. આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવપ્રસાદજી બાપુ શિક્ષણ, આરોગ્ય, આશ્રયસ્થાનો, કૃષિ, જળ સંચયન ક્ષેત્રે નોંધપાત્ર અને વિશિષ્ટ કામગીરી કરી રહ્યા છે. મહંત દેવપ્રસાદજી બાપુના આશ્રમની સેવાકીય પ્રવૃતિઓ 325 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. તેમના આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓની 325 વર્ષ જૂની પરંપરા છે. કોઈ પણ નાત – જાતના ભેદભાવ વગર “સર્વધર્મ હિતાય, સર્વજન સુખાય” ભાવ સાથે સમાજના ઉત્થાન માટે મહંત દેવપ્રસાદજી બાપુ કાર્યરત છે. “પ્રત્યેક માનવને પ્રભુ અંશ માની તેની સેવા કરો, બીજાને સાંભળો અને સંભાળો.” આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવી પ્રસાદજી બાપુનું કર્મ સૂત્ર છે.
આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુ આજે માનસ સદભાવના રામકથામાં પધાર્યા હતા. તેમણે પોતાની વાણીનો લાભ આપતા જણાવ્યું કે, હું વૃદ્ધાશ્રમ ચલાવું છું એટલે મને ખબર છે કે વૃદ્ધાશ્રમ ચલાવવા કેટલા કઠિન છે. સૌ કહેતા હોય છે કે ભારતમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ પરંતુ આપણે આપણી જાતને પૂછીએ કે જે નિ:સંતાન, નિરાધાર, નિ સહાય, વૃદ્ધો છે તે વૃદ્ધાશ્રમ ન હોત તો ક્યાં જાત ? વૃદ્ધાશ્રમ છે એટલે આ બધા ટકી રહ્યા છે.
પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ જણાવ્યું કે આપણી પાસે બે વિકલ્પ હોય છે કાં તો આપણે આપણી સંપત્તિને મૂકીને જઈએ અથવા આપીને જઈશું તો આવતા જન્મનું પુણ્યનું ભાથું બંધાશે. જે લોકોએ આ સેવા કાર્યમાં અનુદાન આપ્યું છે તેમણે આવતા જન્મનું ભાથું બાંધ્યું છે. પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ એમ પણ કહ્યું કે જો તમારા ઘરમાં માતા પિતા અને વડીલો છે તો તમારી પાસે ખૂબ મૂડી છે એમ સમજજો.