દર અઠવાડિયે એક ઝોનમાં એક રોડની મુલાકાત લઈ પાર્કિંગ લેવલ ઝીરો કરાવવા અને માર્જીનમાં ખડકાયેલા દબાણો દુર કરવા ટીપી શાખાને આદેશ આપતા કમિશનર
સતતથી ટ્રાફિકની ધમધમતા શહેરના મુખ્ય રાજમાર્ગો પર માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાઈ ગયેલા ગેરકાયદેસરના દબાણો દુર કરી પાર્કિંગ લેવલ ઝીરો કરાવવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા ટીપી શાખાને આદેશ આપવામાં આવ્યો છે. દર અઠવાડિયે એક ઝોનમાં કોઈપણ એક રોડની મુલાકાત લઈ દબાણ હટાવવા માટે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સીટી તરીકે કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરને સુંદર, રમણીય અને સરળ ટ્રાફિક મુમેન્ટ માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અલગ-અલગ શાખાને આદેશ આપવામાં આવ્યા છે. જેમાં દરેક ઝોનમાં આ ઝુંબેફશના ભાગરૂપે દર અઠવાડિયે કોઈ એક ઝોનની પસંદગી કરી એક રોડની મુલાકાત લઈ રોડ પરના બિલ્ડીંગનું પાર્કિંગ લેવલ ઝીરો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે ટીપી શાખાએ પાર્કિંગ સ્પેસમાં જ વાહનોનું પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરાવી અને માર્જીનની જગ્યામાં ખડકી દેવાયેલા દબાણો દુર કરાવવાના રહેશે.
દબાણ હટાવ વિભાગે મુખ્ય રાજમાર્ગો પરથી હંગામી દબાણો જેવા કે રેકડી અને કેબિનો વગેરે દુર કરવાના રહેશે. જયારે માર્જીન કે રોડ પર સ્થાયી કે અસ્થાયી હોર્ડિંગ, ખુરશી કે ટેબલના દબાણો દુર કરવાના રહેશે. બાંધકામ શાખાએ મુખ્ય રસ્તા પરના બિલ્ડીંગનુ લાગુ ફુટપાથ લેવલે કરવવાની રહેશે. જેથી સરળતાથી પાર્કિંગ થઈ શકે. આ ઉપરાંત રોડ પરના ખાડા કે ફુટપાથ રીપેરીંગ કરાવવાની રહેશે.
રોશની શાખાએ મુખ્ય રસ્તા પરની સ્ટ્રીટ લાઈટની મરામત કરાવવી અને ટ્રાફિક સિગ્નલની જાળવણી થાય તેવું કામ કરવાનું રહેશે. સોલીડ વેસ્ટ શાખાએ મુખ્ય રસ્તાઓની બરાબર સફાઈ થાય છે કે નહીં તે જોવાનું, દુકાનોમાં પ્લાસ્ટીક તથા ડસ્ટબીન અંગે ચેકિંગ હાથ ધરવાનું રહેશે. મુખ્ય રાજમાર્ગો પર ગંદકી ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.