- ઘરની વાત બહાર જાહેર કરી દેવાની બાબતને શિસ્તભંગ ગણી આકરા પગલાં લેવાય તેવો ઘાટ
બે દિવસ પૂર્વે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરીયાએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે હુમલાની ઘટના બાદ પાટીદાર સમાજના બે સંગઠન ખોડલધામ અને સરદારધામ વચ્ચે કંઈક હખળ ડખળ હોવાનું સપાટી પર આવ્યું હતું. જો કે, બંને સંગઠનના નેતાઓએ સબ સલામત હોવાનું જણાવ્યું હતું. જો કે, અંદર કંઈક રંધાતુ હોય અને બહાર સબ સલામત હોવાના રટણ વચ્ચે સરધારાથી લક્ષ્મણ રેખા ઓળંગી જવાઈ નાળચુ ખોડલધામ અને નરેશ પટેલ પર તાકી દેવાતા હવે નાછૂટકે સરદારધામે સરધારાને નિવૃત કરી દેવા પડે તેવો ઘાટ ઘડાયો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ઘટનાના સામે આવેલા સીસીટીવીમાં સરધારા જ પહેલા પાદરીયાનો કોલર પકડી લાત મારતા નજરે પડી રહ્યા છે.
ગત સોમવારની રાત્રે મવડી-કણકોટ રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક પ્રસંગ દરમિયાન પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર જૂનાગઢ ટ્રેનિંગ એકેડમી ખાતે ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરીયાએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. હુમલા બાદ જયંતિ સરધારને લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જયંતિ સરધારાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીઆઈ પાદરીયાએ નરેશ પટેલના ઈશારે હુમલો કર્યો હતો. નરેશ પટેલે જ મારો હવાલો પાદરીયાને આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સરદારધામ દિન પ્રતિદિન મજબૂત સંગઠન બનતું જતું હોય અને તેનાથી નરેશ પટેલનું સમાજમાં વર્ચસ્વ ઘટી જશે તેવા ભયે મને સરદારધામમાંથી રાજીનામુ આપી દેવા નરેશ પટેલના ઈશારે પીઆઈ પાદરીયાએ ધમકી આપ્યાનું જયંતિ સરધારાએ જણાવ્યું હતું. હવે આ મામલાએ નવો વળાંક લીધો છે. હુમલા પૂર્વેના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પ્રથમ જયંતિ સરધારા જ પીઆઈ પાદરીયાનો કોલર પકડીને લાત મારતા નજરે પડી રહ્યા છે. ઉપરાંત અન્ય એક સીસીટીવીમાં પીઆઈ પાદરીયાના હાથમા રિવોલ્વર જેવું કોઈ જ હથિયાર નહિ હોવાનું ફલિત થઇ રહ્યું છે.
એકતરફ જયંતિ સરધારાએ પોતાની પર થયેલા હુમલા બાદ ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહને ઉઘાડો પાડી દીધો છે. જયારે બીજી બાજુ બંને સંગઠનના હોદેદારો સબ સલામત હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે કદાચ ઘરની વાત જાહેરમાં લઇ આવનાર જયંતિ સરધારાને નિવૃત કરી દઈ બંને સંગઠનો વચ્ચે સબ સલામત હોવાનું ચિત્ર ઉભું કરી દેવામાં આવે તો નવાઈ નહિ. ઉલ્લેખનીય બાબત છે કે, સરધારાથી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધ સીધું નાળચુ તાકી દઈ ઘરની વાત બહાર લઇ આવી ક્યાંક લક્ષ્મણ રેખા ઓળંગી દેવામાં આવી હોય હવે આ વિવાદનો અંત લાવવા માટે કોઈકનો ભોગ લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ જતાં હવે જયંતિ સરધારાને જ નિવૃત કરી દેવાની અટકળ તેજ બની છે. અત્યંત નોંધનીય બાબત છે કે, સમાજના એક ચોક્કસ વર્ગમાં એવો પણ ગણગણાટ છે કે, આગામી 15 ડિસેમ્બરના રોજ કણકોટ ખાતે સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. હાલ સુધી પાટીદારોની એક જ સંસ્થા સમાજમાં વર્ચસ્વ ધરાવતી હતી પણ હવે સરદારધામ મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ પગદંડો જમાવે અને તેનાથી વર્ચસ્વ ઘટવાની બીકે પીઆઈ પાદરીયાને મહોરું બનાવી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, આ બધી બાબતો ફક્ત લોકમુખે ચર્ચાતી વાતો જ છે અને તેમાં કેટલી વાસ્તવિકતા છે તે અંગે કંઈ જ કહી શકાતું નથી.
ખોડલધામમાંથી ભગ્નહ્રદયે અળગા થયેલા આગેવાનો સરદારધામ સક્રિય થતાં વિવાદ વકર્યો?
લોકમુખે ચર્ચાતી એક ચર્ચા મુજબ અગાઉ જે આગેવાનો ખોડલધામ સંગઠનમાં સક્રિય હતા તેઓ કોઈક કારણોસર ખોડલધામથી અળગા થવું પડ્યું કે કરી દેવામાં આવ્યા તે આગેવાનો સરદારધામમાં સક્રિય થતાં વિવાદ વકર્યો હતો. અધૂરામાં પૂરું આગામી 15 ડિસેમ્બરના રોજ સરદારધામનું ભૂમિપૂજન થતું હોવાથી વિવાદને ક્યાંક વધુ વેગ મળ્યો હતો અને તેવામાં સરધારા અને પાદરીયા બાખડતા આ વિવાદ સપાટી પર આવ્યો હતો.
પીઆઈ પાદરીયા સસ્પેન્ડ : શોધખોળ કરવા પોલીસ ટીમના જૂનાગઢમાં આંટાફેરા
પીઆઈ પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતણી કલમો હેઠળ ગુનો દાખલ થયાં બાદ ગઈકાલે મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ફરાર પીઆઈને શોધી કાઢવા પોલીસની ટીમો જૂનાગઢ દોડી ગઈ હતી. જો કે, કશું હાથ લાગ્યું ન હતું.
પાદરીયાએ મને સમાજના ગદ્દાર તરીકે સંબોધતા મેં કોલર પકડ્યો હતો : સીસીટીવી વાયરલ થતાં સરધારાની સ્પષ્ટતા
અબતક સાથેની વાતચીતમાં જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, સોમવારની રાત્રે પાદરીયાએ પહેલા મને સમાજના ગદ્દાર તરીકે સંબોધ્યો હતો. પીઆઇએ કહ્યું હતું કે, તું સમાજનો ગદ્દાર છો, ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં શા માટે કામ કરે છે? ખોડલધામમાંથી સરદારધામમાં જે લોકો જાય છે તે બધા સમાજના ગદ્દાર છે. જે બાદ મે કોલર પકડયો હતો. જે બાદ મારી ગાડી રોકીને પાદરીયાએ જીવલેણ હુમલો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમાજના અગ્રણીઓએ જે સાચું હોય તેનો પક્ષ લેવો જોઈએ. મને કોઈએ સમાધાન માટેનું કીધું નથી, હું છેલ્લા એક વર્ષથી સમાધાન માટેના પ્રયાસો કરું છું. સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય.
પીઆઈ પાદરીયાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ‘કેમ્પેઈન’
પીઆઈ પાદરીયા દ્વારા જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યા બાદ પાદરીયાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પાદરીયાને સપોર્ટ કરતા સ્ટેટ્સ વાયરલ થયાં છે. ત્યારે આ ઝગડામાં બળતામાં ઘી હોમનાર કોણ? આ વિવાદને કોણ વેગ આપી રહ્યું છે? શું ચોક્કસ લોકો દ્વારા આ ષડયંત્ર ચલાવવા આવ્યું છે? આ તમામ સવાલો ઉભા થયાં છે.