રાજકોટને અપાતા નર્મદાના નીરમાં ૧૦ ટકા સુધી કાપ મુકાય તેવી સંભાવના

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ડુકી જવાના કારણે ઉનાળામાં રાજયમાં જળકટોકટી સર્જાવાના એંધાણ વર્તાય રહ્યા છે. રાજકોટ સહિત રાજયના આઠ મહાનગરોને સરકાર દ્વારા અપાતા નર્મદા નીરમાં ૧૦ ટકા સુધીનો કાપ મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટની ટુંકી મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એરપોર્ટ પર જ મહાપાલિકાના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા મેયરને તાકીદ કરવામાં આવી હતી.

રાજકોટની જળજ‚રીયાત સંતોષતા આજી ડેમ આગામી ૩૧ માર્ચે ડુકી જાય તેવી સંભાવના જણાઈ રહી છે. ગત વર્ષે સરકારે એવી ખાતરી આપી હતી કે, હવે આજી ડેમ કયારેય તળીયાઝાટક નહીં રહે. નર્મદા આધારીત સૌની યોજનાથી ડેમ બારે માસ ભરેલો રાખવામાં આવશે પરંતુ આ વખતે ચોમાસાની સીઝનમાં નર્મદા ડેમ ઓવરફલો ન થવાના કારણે ઉનાળાના આરંભ પૂર્વે જ ડેમની જળસપાટીમાં તોતીંગ ઘટાડો થતા ગુજરાત પર ભયંકર જળસંકટ ઝળુબી રહ્યું છે. રાજકોટની ૫૦ ટકાથી વધુ જળજરૂરીયાત નર્મદામૈયા પુરી કરે છે ત્યારે નર્મદા ડેમ ડુકવાના કારણે શહેરની વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સંભવિત જળકટોકટીને ફાળવવા માટે રાજય સરકાર દ્વારા અત્યારથી જ પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એરપોર્ટ ખાતે કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે એક મીટીંગ યોજી હતી. જેમાં પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી.

શકય તેટલો લાઈન લોસ ઘટાડવા અને જો લાઈન લીકેજ થાય તો તેનું રીપેરીંગ હાથ ધરવા પણ સુચના આપી દેવામાં આવી છે. સાથો સાથ સરકારે એવી પણ ખાતરી આપી છે કે, શહેરીજનો ચિંતા ન કરે જો જરૂર પડશે તો સરકાર સૌની યોજના અંતર્ગત ફરી આજી ડેમને નર્મદાના નીરથી છલકાવી દેશે પરંતુ સરકારની ખાતરી આ વખતે બોદી સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કારણકે નર્મદામાં જ પર્યાપ્ત જળ જથ્થો ઉપલબ્ધ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.