- રાજકોટના નવાગામ સ્થિત દિપક રોડવેઝ ટ્રાન્સપોર્ટના માલિકના ઘરે હાથફેરો કરનાર બે તસ્કર સીસીટીવીમાં કેદ: જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ધારેશ્વર વિસ્તારમાં રહેતા અને રાજકોટના નવાગામ ખાતે દિપક રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા મહેબૂબ સુમરાના મકાનના તાળા તોડી તસ્કરો સોનાના દાગીના, રોકડ સહીત રૂ. 8.14 લાખની મતા ઉઠાવી ફરાર થઇ ગયાં છે. મામલામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ચોરીને અંજામ આપનાર બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયાંનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટના નવાગામ ખાતે દિપક રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ ધરાવતા મહેબુબભાઇ હુશેનભાઇ સુમરા(ઉ.વ.23 રહે. જુનો રાજકોટ રોડ, દાતાર તકીયા સામે, ધારેશ્વર, જેતપુર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું દરરોજ સાંજના ત્રણથી ચાર વાગ્યે રાજકોટ જાઉં છું અને રાત્રીના બેથી ત્રણ વાગ્યે જેતપુર ઘરે પરત આવતો રહુ છુ અને રાજકોટ ખાતે નિલકંઠ પાર્કમાં પણ અમારૂ પોતાનુ મકાન આવેલ છે. ગઇ તા. 21/10/2024ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હું તથા મારા પિતાજી હુશેનભાઇ તથા માતા રોશનબેન અમે ત્રણેય અમારી ફોર વ્હીલર ગાડી લઈને દિવાળીનો તહેવાર હોય ટ્રાન્સપોર્ટનુ કામ વધારે હોય અપડાઉનમાં મોડુ થઈ જતુ હોય જેથી બે ત્રણ દિવસ રોકાવવા માટે અમારા મકાને રાજકોટ ગયેલ હતા અને મારી પત્ની સાહીન જે પાંચ દિવસથી રાજકોટ ખાતે તેના માવતરે આટો મારવા રોકાવા ગયેલ હતી.
ગત તા. 23/10/2024ના સવારના 9/00 વાગ્યે મારા ઘરની સામે રહેતા મારા સગા મામા ફિરોજભાઈએ મારા મમ્મીના મોબાઇલમાં ફોન કરી ચોરી થયેલની જાણ કરેલ હતી. બાદ હું તથા મારા પિતા હુશેનભાઇ તથા મમ્મી રોશનબેન તથા મારી પત્ની સાહીન જેતપુર અમારા ઘરે આવી જોયુ તો મકાનમાં અંદ2 જવાના મેઇન દરવાજાના તાળા તુટેલ હતા અને દરવાજો ખુલ્લો હતો. મકાનમાં નીચે ત્રણ રૂમના દરવાજા ખુલ્લા હતા અને કબાટ પણ ખુલેલ હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરાંત સરસામાન વેરવિખેર પડેલ હતો તેમજ પહેલા માળે આવેલ રૂમનો દરવાજો ખુલેલ હતો અને અંદર રૂમમાં કબાટ ખુલેલ હતો. તિજોરીના ખાના પણ ખુલ્લી હાલતમાં હતા. એક વર્ષ પહેલા મારા લગ્ન થયેલ હોય મારી પત્ની સાહીનને તેના માવતરે કરીયાવરમાં આપેલ સોના દાગીના મારી પત્નીએ લાકડાના કબાટમાં દાગીના રાખવાના બોક્ષમાં રાખ્યા હતા. જેમાં સોનાનો હાર જેનો વજન 73.50 ગ્રામ, સોનાના કાનના બુટીયા નંગ-2 વજન 19.160 ગ્રામ, સોનાના હારના લોકનો ચેઇન નંગ-1 વજન 2.780 ગ્રામ, સોનાની વિંટી નંગ-4 જેનો વજન 18.21 ગ્રામ, સોનાની સર નંગ-2, વજન 4.550 ગ્રામ, કિ. રૂ. 7,65,570 તથા રોકડ રૂપિયા 47,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.8,14,570 મળી આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ તાત્કાલિક જેતપુર ઉદ્યોગનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે મામલામાં ગુનો દાખલ તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.
દિવાળી ટાણે ટ્રાન્સપોર્ટમાં કામ વધુ રહેતું હોવાથી પરિવાર રાજકોટ સ્થિત મકાને રહેવા આવી ગયો’તો
ફરિયાદી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોય અને દિવાળી ટાણે કામ વધુ રહેતું હોવાથી પોતે માતા-પિતા સાથે રાજકોટના નીલકંઠ પાર્ક સ્થિત તેમના બીજા મકાને રહેવા આવી ગયાં હતા. 21 નવેમ્બરના રોજ તેઓ રાજકોટ આવ્યા હતા અને 23 નવેમ્બરની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.
23 નવેમ્બરની મધ્ય રાત્રીએ બે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું તારણ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદીના મકાનની આસપાસ આવેલા સીસીટીવીની તપાસ કરતા 23 નવેમ્બરની રાત્રે અંદાજિત એકથી ત્રણ વાગ્યાંની વચ્ચે બે શંકાસ્પદ શખ્સો મોટરસાયકલમાં આવીને થોડા સમય બાદ પરત ફરતા ધ્યાને આવ્યા છે. આ બંને શખ્સોએ જ ચીરીને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ ચલાવી બંને શખ્સોની ઓળખ મેળવવા પ્રયત્ન કરી રહી છે.