- ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-2024” એનાયત
- ગુજરાતમાં કુલ 7,411 બાયોગેસ પ્લાન્ટ તથા વેડંચા મોડલ આધારિત 80 ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત: ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ
- “સરકાર માટે ખાસ સન્માન” કેટગરી હેઠળ ગુજરાતના આ બંને મહત્વકાંક્ષી પ્રોજેક્ટની પસંદગી થઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતની યશકલગીમાં આજે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
એક પ્રતિષ્ઠિત પહેલ તરીકે દેશના સેનીટેશન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ 11 કેટેગરીમાં “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે FICCI ફેડરેશન હાઉસ, દિલ્હી ખાતે આયોજિત ISC-FICCI સેનિટેશન એવોર્ડની 8મી આવૃત્તિમાં ઇનોવેશન અને ઈમ્પેક્ટફુલ સોલ્યૂશનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ISC-FICCI સેનિટેશન એવોર્ડની 8મી આવૃત્તિમાં અલગ-અલગ ૪ કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર મૂલ્યાંકન બાદ એવોર્ડ કમિટી દ્વારા “સરકાર માટે ખાસ સન્માન” કેટગરી હેઠળ ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરી હતી અને રાજ્ય સરકારને આ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગ્રામ વિકાસ મંત્રીએ ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે, બનાસકાંઠાના વેડંચા ગામમાં બનાવેલા પ્રોજેક્ટ મોડલના આધારે ગુજરાતના 80 ગામમાં સેન્ટ્રલાઇઝ ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવમાં આવ્યા છે. આ ગામોમાં ઉત્પન્ન થતા ગ્રે વોટરને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કરીને તે પાણીનો ખેતીમાં પુનઃઉપયોગ કરવામાં આવે છે, જે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે.
આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે પણ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,411 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં ગાયના છાણમાંથી બાયોગેસ પેદા કરવામાં આવે છે, જે સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.