ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ. નહેરૂ યુવા કેન્દ્ર આહવા દ્વારા પીપલદહાડ ગામમાં રેલીનું આયોજન કરાયું. સમગ્ર દેશમાં દર વર્ષે 26 નવેમ્બરને ‘ભારતીય બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ બધારણની જોગવાઈઓથી નાગરિકો માહિતીગાર થાય તેવા ઉમદા હેતુ સાથે વર્ષ 2015માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.
રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ અને ભારતીય બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશની બંધારણ સભાએ તા. 26 નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. તેને સ્વીકાર્યાના બે મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો. જેના પરિણામે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 26 નવેમ્બર 2024ના રોજ “સંવિધાન દિવસ” ની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં સંવિધાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા અને કોલેજોમાં ભારતીય સંવિધાનનું મહત્વ સમજાવી બાળકોને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આહવા લાઇબ્રેરી ખાતે પણ ગ્રંથપાલ મિતેશ એન. પટેલનાં અધ્યક્ષપણા હેઠળ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તેમજ નહેરુ યુવા કેન્દ્ર, આહવા ડાંગ દ્વારા સુબીર તાલુકાના પીપલદહાડ ખાતે ગામની સરકારી કુમાર છાત્રાલયમાં સંવિધાન દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખાંબલા પંચાયતના સરપંચ કાંતિલાલ રાઉતે સંવિધાન દિવસ નિમિત્તે વિધાર્થીઓને ભારતીય સંવિધાન વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ બાદ ગામમાં વિધાર્થીઓ અને વડીલો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી સરકારી કુમાર છાત્રાલયથી લઇને પીપલદહાડના ચેક પોસ્ટ સુધી યોજાઇ હતી.