- ભાજપ શાસિત પાલિકામાં ભડકો
- છેલ્લા એક વર્ષથી ચાલતો ડખ્ખો હવે જાહેરમાં આવી ગયો: આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ
અમરેલી નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે ભાજપના 18 સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત મૂકતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આગામી દિવસોમાં અમરેલીના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવાની દહેશત દેખાય રહી છે.
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં લાંબા સામયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખૂલ્લીને બહાર આવી ગયો છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખે એજન્ડા બોલાવ્યા બાદ અચાનક બેઠક મુલત્વી રાખતાં હોબાળો મચી ગયો હતો. ભાજપના સભ્યો વચ્ચે લાંબા સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, જેનો ભડકો થયો હતો. ભાજપના જ સભ્યોએ પાલિકા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરતાં ભાજપના કુલ 34 સભ્યોમાંથી 18 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને આપતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખે સામાન્ય સભા માટે એજન્ડા બજવ્યો હતો. પરંતુ અચાનક જ બેઠકના 20 કલાક અગાઉ ગેરબંધારણીય રીતે બેઠક મુલત્વી રાખી હતી. જેના લીધે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અમરેલી નગરપાલિકમાં મનસ્વી રીતે વહિવટ ચાલી રહ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સામાન્ય સભાની બેઠક અચાનક મુલત્વી રાખી એકતરફી અને મનસ્વી રીતે નિર્ણય લીધો હતો. અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઇને તમામ સભ્યોને રૂબરૂ બજવણી કરવા માટે નિકળ્યા હતા. બેઠક મુલત્વી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
નગરપાલિકાના સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ઉપ પ્રમુખ બિપિનભાઇ લીંબાણીનું શાસન ચાલે છે. તેમના આ શાસનકાળ દરમિયાન પાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ નીતિવિષક નિર્ણયો લીધા છે.તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીમાં કરોડો રૂપિયાની કામગીરી જે ટેન્ડર વિગત મુજબ થયા ન હોવા છતાં બિલ ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે 2 કરોડનો બિનજરૂરી ખર્ચ કરી સંસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત તેમણે અમરેલી નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી.અમરેલી નગરપાલિકામાં હાલ ભાજપ વિરૂદ્ધ ભાજપની લડાઇ ચાલી રહી છે. ગત એક વર્ષથી ભાજપમાં અંદરખાને ચાલી રહેલી નારાજગી હવે જગ જાહેર થઇ છે. ભાજપની આંતરિક નારાજગી અને વિખવાદ જોતાં આગામી દિવસોમાં અમરેલીના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાશે એવું લાગી રહ્યું છે.
ક્યાં 17 સભ્યો પ્રમુખની વિરૂદ્ધમાં?
પાલિકાના ભાજપના સદસ્ય રેખાબેન જયંતીભાઇ રાણવા, અફસાનાબેન એસ.કુરેશી, અક્રમભાઇ કાજી, ભાનુબેન એ.કાનાણી, સંગીતાબેન એચ.ચાવડા, હેતલબેન વાઢેર, ગીરીશભાઇ ત્રાપસીયા, બીનાબેન કાલેણા, નીતાબેન ભડકણ, નિલેશભાઇ ધાધલ, અશોકભાઇ પાનસુરીયા, ચિરાગ ત્રિવેદી, નિકુલ ડાબસરા, અરૂણાબેન બાંભણીયા, રમાબેન મહેતા, ભારતીબેન રાધનપરા અને તુલસીભાઇ મકવાણાએ આ દરખાસ્ત રજુ કરી હતી.
પ્રમુખને નાણાંની ચુકવણી કરતા અટકાવો
પાલિકાના નારાજ સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવાની સાથે એવી પણ માંગણી કરી હતી કે હવે પ્રમુખ લઘુમતીમા હોય તેઓ કોઇ નીતિ વિષયક નિર્ણય ન લે અને આવશ્યક સેવા સિવાય કોઇપણ પ્રકારના બીલ કે ચેકમા સહી ન કરે તેવી માંગ કરી છે.