- ખોડલધામ દ/ત સરદારધામ?
- સંજય પાદરીયા વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ
- નરેશભાઈના ઈશારે પીઆઈ પાદરીયાએ હુમલો કર્યાના આક્ષેપથી સમાજ સ્તબ્ધ
રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા પર ગત રાત્રે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયાએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ ફક્ત સામાન્ય હુમલાનો નહિ પણ પાટીદાર સમાજના બે ફાડિયા થઇ ગયાંનો બનાવ હોય તેવું હાલ લોકમુખે જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ બાદ પાટીદાર સમાજના બે ધાર્મિક અને સામાજિક સંગઠન ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલતી ખેંચતાણ અને વિખવાદ સપાટી પર આવી ગયો છે. મામલામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના ઈશારે સંજય પાદરીયાએ હુમલો કર્યાના જયંતિ સરધારાના આક્ષેપ બાદ હવે આ વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયાંનું ચિત્ર ઉપસી આવ્યું છે. બીજી બાજુ હુમલો કરી નાસી જનાર પીઆઈ સંજય પાદરીયા વિરુદ્ધ તાલુકામાં હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસીપી બી જે ચૌધરીને સોંપવામાં આવી છે.
રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢ પી.આઇ. સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં પી.આઇ.પાદરીયાએ ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેર ઝેર છે અને નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ કહી હુમલો કર્યો હતો. હાલ જયંતિભાઈ સરધારા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, જયંતિભાઈ સરધારા સરદારધામના ઉપપ્રમુખ છે.
જયંતીભાઈ સરધારાએ ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમા પી.આઇ. સંજય પાદરીયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદાર છો તે સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. એટલે મેં કહ્યું હું તો સામે થયો જ છું. મેં કોઈ પાપ નથી કર્યું અને મેં કોઈ ખરાબ કામ નથી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું મારા ભાણેજના પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન રસ્તામાં મને ગાડીમાંથી ઉતારી હથિયાર સાથે મારા માથા ઉપર હુમલો કર્યો હતો. જેથી, હું બેભાન થઇ પડી ગયો હતો. ઉભો થતા પાછો એ મને સરદારધામના કોઈ કાર્યક્રમમાં જાઈશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ પછી હું પાછો
ગાડીમાં બેસી જવા જતો હતો ત્યારે ગાડીમાં પાછળ હથિયાર લઈને દોડ્યો હતો.
જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, તેઓ મને અવારનવાર ધમકી આપે છે. હું માત્ર મારી સેવાકીય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપું છું અને સેવકાર્યો માટે હું ખોડલધામમાં પણ જાવ છું. મને કહ્યું કે જાનથી મારી નાખીશ તું સરદારધામ માંથી રાજીનામું આપી દે. એવું પણ કહે છે કે તમે કડવા પટેલનાં ખોળે બેસી ગયા છો. અને તમને ભાજપની હવા છે. હું તો એવું ઇચ્છતો હતો કે, બંને સંપીને સેવાકીય કાર્યો કરે. મારા માથે રિવોલ્વરનો પાછળનો ભાગ માર્યો પછી રિવોલ્વર માથે મૂકીને કહ્યું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા હતા. ખોડલધામને સરદારધામ ગમતું નથી તેવું સ્પષ્ટ લાગે છે.
આગેવાનોની ચુપ્પી સમાજમાં મોટી સુનામી લઈ આવશે?
જયંતીભાઈ સરધાર પર થયેલ હુમલા બાદ સામાજિક આગેવાનોએ ચુપ્પી સાધી લીધી છે પણ આ ચુપ્પી પાછળ જબરો ઘોંઘાટ છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. મળતી વિગત મુજબ અગાઉ પણ સંજય પાદરીયાને મહોરું બનાવી પાટીદાર સમાજના અનેક સંગઠનો અને આગેવાનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો ગણગણાટ પાટીદાર સમાજમાં છે. અગાઉ સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન અને રાજકીય હોદ્દો ધરાવતા યુવા અગ્રણી સાથે પણ પીઆઈ પાદરીયાને વિવાદ થતાં પાદરીયાની બદલી જૂનાગઢ ટ્રેનિંગ એકેડમીમાં કરવામાં આવી હતી. રાજકોટના પણ અમુક સામાજિક સંગઠનોને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
નરેશભાઈની આવી વર્તણુંક સમાજના મોભીને શોભે છે?: જયંતિ સરધારા
મામલામાં હોસ્પિટલના બિછાનેથી જયંતીભાઈ સરધારાએ અબતક મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજના મોભીઓ જ સમાજને દબાવવા નીકળ્યા હોય તેવું સ્પષ્ટ છે. તેમણે ઘટના અંગે વિગતવાર જણાવતા કહ્યું હતું કે, હું શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક પ્રસંગમાં ગયો હતો જ્યાં પીઆઈ સંજય પાદરીયાએ મને સાઈડમાં બોલાવીને ધમકી આપી હતી કે, મને નરેશભાઈ પટેલે તારો હવાલો આપ્યો છે, તું સરદારધામમાંથી રાજીનામુ આપી દે નહીંતર જાનથી મારી નાખીશું. જેથી હું રાજીનામુ નહિ આપું તેવી વાત કરતા સંજય પાદરીયાએ મને કહ્યું હતું કે, તું બહાર નીકળ એટલે તને જોઈ લઉં છું. જે બાદ હું મારી કારમાં બેસવા જતો હતો ત્યારે સંજય ધસી આવ્યો હતો અને રિવોલ્વરના કુંદાથી મને માથાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. જે બાદ હું ત્યાંથી મારી કાર લઈને ભાગવા જતાં તું રાજીનામુ નહિ આપ તો તને પતાવી જ દેવો છે તેમ કહી રિવોલ્વર લઈને મારી કાર પાછળ પાદરીયા દોડ્યો હતો. જયંતીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નરેશભાઈને ભય છે કે, સરદારધામ જૂથ મોટું થશે તો પોતાનું વર્ચસ્વ ઓછું થઇ જશે જેથી પોતે સમાજમાં મોટો ભા થઈને ફરવા માટે અન્ય સંગઠનો અને આગેવાનોને દબાવવા કોશિશ કરવામાં આવે છે.
કોરોનાથી પણ ખતરનાક ‘સામાજિક વાયરસ’ ધાર્મિક સહિતના સંગઠનોને ધ્વસ્ત કરી નાખશે?
જયંતીભાઈ સરધાર પર હુમલો થયાં બાદ પાટીદાર સમાજના બે જૂથ ખોડલધામ અને સરદારધામ આમને સામને હોય તેવું સ્પષ્ટ થઇ ચૂક્યું છે. હવે આ જંગને સમાજના ખાતે માંડી દઈ પોતાના રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા હોય તેવું પણ ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે સવાલ એવો ઉઠી રહ્યો છે કે, શું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા સમાજમાં વિખવાદ સમાન વાયરસ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે શું આ વાયરસ ધાર્મિક સહિતના સંગઠનો પરથી સમાજનો વિશ્વાસ ઉઠાવી દે તો પણ નવાઈ નહિ.
- ખોડલધામ કે નરેશભાઇને હુમલાની ઘટના સાથે કોઇ જ લેવા દેવા નથી: હસુભાઇ લુણાગરીયા
- નરેશભાઇ હાલ વિદેશમાં છે તેઓએ પણ હુમલાની ઘટનાને દુ:ખ ગણાવી છે, વ્યકિતગત બાબતોમાં સંસ્થાને જોડી દેવાય છે
ખોડલધામ ટ્રસ્ટના હસુભાઇ લુણાગરીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોઇપણ વ્યકિત પર હુમલો કરાવવાની વાત તો એક બાજુ રહી ખોડલધામ ટ્રસ્ટ કે નરેશભાઇ પટેલ હુમલો કરાવવાની કલ્પના પણ કરી શકે નહી, નરેશભાઇ હમેશા સર્વ સમાજને સાથે રાખીને આપવાની વાતમાં માને છે. હુમલાનો ભોગ બનનાર અને હુમલો કરનાર બન્ને સમાજના પુત્રો છે. અંગત કે વ્યકિતગત બાબતોમાં સંસ્થાને જોડી દેવામાં આવી રહી હોય તેવું લાગે છે. ગઇકાલે જયંતિભાઇ સરધારા પર હુમલો થયાની ઘટના બાદ નરેશભાઇ પટેલને
આ સમ્રગ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વિદેશમાં હોવા છતાં તેઓએ આ ઘટના અંગે દુ:ખની લાગણી વ્યકત કરી હતી. ચિંતા વ્યકત કરી હતી અને આવી ઘટના બનવી ન જોઇએ તેવું જણાવ્યું હતું સાથે સાથ તેઓએ એવું પણ કહ્યું હતું કે, જયારે હું વિદેશથી રાજકોટ પરત ફરીશ ત્યારે સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજી ભવિષ્યમાં આવી કોઇ જ ઘટના ન બને તે માટે વિચારણા કરવમાં આવશે.
હસમુખભાઇ લુણાગરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જયંતિભાઇ સરધાર પર હુમલો થવાની ઘટનામાં ખોડલધામ કે નરેશભાઇ પટેલને કોઇ જ લેવાદેવા નથી. જયંતિભાઇ અને સંજયભાઇ વચ્ચે વ્યકિતગત પ્રશ્ર્નો હોવાના કારણે આ ઘટના બની હોવાની શંકા છે. ખોડલધામના અનેક ટ્રસ્ટીઓ સરદાર ધામમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બન્ને સંસ્થાઓ ઉદેશ સમાજની સેવા કરવાનો અને સમાજને એક તાંતણે બાધવાનો છે.
ર્માંના ધામમાં રાજકારણ કોણ રમી રહ્યું છે?
પાટીદાર સમાજ સહીત કરોડો હિંદુઓ માઁ ખોડલમાં આસ્થા ધરાવે છે અને આ આસ્થાને પરિણામે કાગવડ ખાતે ખોડલધામ મંદિર બનાવવાનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું અને આ સ્વપ્ન સાકાર થયું અને કાગવડ ખાતે માઁ ખોડલનું ભવ્ય મંદિર તૈયાર થયું. ધીમેધીમે આ મંદિર યાત્રાધામ તરીકે વિકસિત થઇ રહ્યું છે ત્યારે બીજી બાજુ માઁના ધામમાં સમાજના નામે કોઈક અત્યંય ગંદુ રાજકારણ રમી રહ્યું છે તેવું સ્પષ્ટ થતાં ઠેરઠેરથી આ બાબતે ફીટકાર વરસી રહી છે.
બે સંસ્થાઓ વચ્ચે કોઇ અણબનાવ નથી વ્યક્તિગત પ્રશ્ર્નો ઉભા થયા હશે: સરદારધામના પ્રવક્તા સરદારધામમાં પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ ટ્રસ્ટી છે: ઝાલાવાડીયા
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજની બે અગ્રગણ્ય સંસ્થા સરદારધામ અને ખોડલધામના હોદ્ેદારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જે હવે ખૂલ્લીને બહાર આવી રહ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા પર ગઇકાલે જૂનાગઢના પીઆઇ સંજયભાઇ પાદરિયા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જયંતિભાઇએ સત્તાવાર રિતે એવું નિવેદન આપ્યું છે કે ખોડલધામના નરેશભાઇ પટેલના ઇશારે મારા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. બે સંસ્થાઓના કારણે પાટીદાર સમાજ વચ્ચે ઉભા ફાળીયા થઇ રહ્યા હોવાનો વાટ ઉભો થયો છે. દરમિયાન “સરદારધામ” પ્રવક્તા ઝાલાવાડીયાએ આજે “અબતક” સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, સરદારધામ સંસ્થા સરદાર સાહેબના આદર્શો સાથે છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહી છે. પાટીદાર સમાજની દરેક સંસ્થાના હોદ્ેદારો ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.
સરદારધામમાં 1016 ટ્રસ્ટીઓ છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ પ્રશ્ર્ન નથી. જયંતિભાઇ સરધારા અને સંજયભાઇ પાદરિયા વચ્ચે વ્યક્તિગત પ્રશ્ર્નો હોવાના કારણે ગઇકાલની ઘટના બની હોય તેવું અમારૂં માનવું છે અને બધી જ સંસ્થાના સમન્વય થકી કામ કરવામાં માનીએ છીએ. જયંતિભાઇ પર હુમલો થવાની ઘટનામાં ગૃહ વિભાગ દ્વારા તપાસ થવી જોઇએ. સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુ પર કામ કરે છે. જેમાં સમાજના 10 હજાર યુવક-યુવતીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવું, 10 હજાર યુવક-યુવતીઓને વહિવટી સેવામાં મોકલવા, પાટીદાર સમાજના 10 હજાર પ્રથમ હરોળના ઉદ્યોપતિઓનું સંગઠન બનાવવું, દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન કરવું અને યુવા સંગઠન થકી સમાજને જોડાવાનું અભિયાન.
ગઇકાલની ઘટના બંને સંસ્થાઓ વચ્ચે અણબનાવ હોવાના કારણે બન્યા હોવાની વાતમાં કોઇ માલ નથી. સંજયભાઇ પાદરિયા શા માટે રાજકોટ આવ્યા અને જયંતિભાઇ પર હુમલો કર્યો તેની તપાસ કરાવવી જોઇએ.
ઘટનાની ગંભીરતા પારખી પરેશ ગજેરા મારતા ઘોડે ગોવાથી રાજકોટ પહોંચ્યા
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઇ સરધારા પર હુમલો થવાની ઘટનાના રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. પાટીદાર સમાજની બે સંસ્થાઓ વચ્ચે ચાલતું શીતયુઘ્ધ હવે લોહીયાળ જંગ સુધી પહોંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને હવે સરદારધામમાં અગ્રગણ્ય હોદો ભોગવી રહેલા પરેશભાઇ ગજેરા આ ઘટનાની ગંભીરતાને પારખી તાત્કાલીક અસરથી ગોવાથી બાય એર રાજકોટ આવી પહોચ્યા હતા. સરદારધામની સેવાની નોંધ હવે રાજયભરમાં પાટીદાર સમાજ દ્વારા લેવામાં આવી રહી છે. આગામી 1પમી ડીસેમ્બરના રોજ રાજકોટમાં સરદાર ધામનું ખાતમુહુર્ત થવાનું છે જેના કારણે બન્ને સંસ્થાઓના હોદેદારો વચ્ચે ચકમક ઝીર રહી છે. ઘટનાની ગંભીરતા પારખી પરેશભાઇ ગજેરા તાત્કાલીક અસરથી પોતાના કાર્યક્રમો ટુંકાવી ગોવાથી રાજકોટ આવી પહોચ્યા હતા.