- બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત પટેલની કરાઈ ધરપકડ
- બંને વિશે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નકલી આરસીબુક બનાવવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે વોન્ટેડ આરોપી નિલેશ ગાધી અને હેમંત બાબુ ભાઈ પટેલ નામના ઈસમો ધરપકડ કરવામાં આવી છે. બંને ની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સાથે જ નિલેશ ગાંધી ઉપર અગાવ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. નિલેશ ગાધી આરટીઓમાં કામ કરે છે. નકલી આર સી બુક બનાવવાની જાણ નિલેશ ને અગાઉ જ હતી. તેમજ આરોપીઓની સાથે મળી આર સી બુક બનાવી હતી. હાલ બંને આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટ માસમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા નકલી આરસીબુક બનાવવાના મસમોટા કૌભાંડમાં વધુ બે આરટીઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક આરોપી અગાઉ અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે અનેક આરોપી અગાઉ પકડાયેલા આરોપીનો સગો ભાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5000 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી સર્જન વાટિકા સોસાયટીમાંથી નકલી આરસીબુક બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે અહીંથી 370 જેટલી આરસી બુક, કોમ્પ્યુટર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિત 92 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તે સમયે આરોપી અંકિત નરેશ વઘાસિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ, સવજી મોહનભાઈ ડાભી, અશોક ઉર્ફે બાલો ગોરધન કાછડીયા, સતીશ એલૈયાની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા અને અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂકેલા આરોપી નિમેષ બીપીનચંદ્ર ગાંધીની ગોપીપુરા ખાતેથી ધરપકડ કરી હતી. જે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે સુરત આરટીઓ કચેરીમાંથી સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક આરોપી અંકિત વઘાસિયાને આપી હતી. જે બાદ નકલી આરસીબુક પ્રિન્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આરોપી નિમેષ ગાંધી પોતે પણ અંકિત વઘાસિયા પાસે નકલી આરસી બુક બનાવતો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી નિમેષ ગાંધી વિરુદ્ધ વર્ષ 2022માં અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે વર્ષ 2020માં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. આરોપી નિમેષ ગાંધી છેલ્લા ચાર વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આરોપી અગાઉથી જ અંકિત વઘાસિયાના સંપર્કમાં હતો. આરોપી પોતાની પાસે આવતા કામમાંથી જૂની આરસીબુક કાઢી આરોપી અંકિત વઘાસિયાને આપતો હતો. જે બાદ અંકિત વઘાસિયા પાસે નકલી આરસીબુક બનાવતો હતો. જેમાં ટુ વ્હીલરની નકલી આરસીનું બનાવવા પેટે 1500 અને ફોર વ્હીલની નકલી આરસી બુક બનાવવાના 3000 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા.
ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો આરોપી હેમંત પટેલ અગાઉ ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર પટેલનો ભાઈ છે. જે છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. જે આરોપી પણ અગાઉથી જ અંકિત વઘાસિયાના સંપર્કમાં હતો. આ આરોપી ગ્રાહકોને જલ્દી આરસી બુક મળી જાય તેવી લાલચે અંકિત વઘાસિયા પાસે નકલી આરસીબુક બનાવતો હતો. જેમાં આરોપી પણ ગ્રાહકો પાસેથી નકલી આરસી બુક બનાવી આપવાના નામે ₹1,500 વસૂલ કરતો હતો.
ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં હમણાં સુધી કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. જે તમામ આરોપીઓ સામે કુલ 5 હજાર જેટલા પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઈલ કરી છે. આરોપીઓએ હમણાં સુધી અન્ય કેટલા લોકોને નકલી આરસીબુક બનાવી આપી છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓના રિમાન્ડ દરમિયાન નકલી આરસી બુક બનાવવાના મસ્ત મોટા કૌભાંડમાં અન્ય નામો પણ સામે આવી શકે છે.
ભાવેશ ઉપાધ્યાય