- મહિલાઓ સામેની હિંસા નાબૂદીનો વૈશ્ર્વિક દિવસ
આ વર્ષની ઉજવણી થીમ “માફ નહીં, મહિલાઓ સામેની હિંસાનો અંત લાવવા સૌ એક જૂટ થાઓ” : છોકરીઓને વિશ્ર્વની પ્રગતિનો સક્રિય ભાગ બનાવવો જરૂરી: મહિલાઓના અધિકારો, સલામતી અને શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામગીરી કરવી પડશે
સ્ત્રીઓ સામેની હિંસા એક ભયંકર સમસ્યા: વિશ્ર્વમાં 1981 થી આ દિવસની ઉજવણી થાય છે: દુનિયાભરમાં ત્રણ પૈકી એક મહિલા શારીરિક કે જાતીય પ્રકૃતિની હિંસાનો ભોગ બને છે: વિશ્ર્વમાં દર મિનિટે 24 બળાત્કાર થાય છે, જેમાં 18 થી 24 વર્ષની મહિલા સૌથી વધુ જીવનસાથી દ્વારા હિંસાનો ભોગ બને છે
પુરૂષ પ્રધાન દેશમાં મહિલાઓ પર વધુ અત્યાચારો થઇ રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. વિશ્ર્વમાં 1995થી આ વિષયક કાર્યોએ વેગ પકડયો પણ આજે 29 વર્ષે પણ ધાર્યા પરિણામો મળ્યા નથી. મહિલાઓ મૌન તોડો, અવાજ ઉઠાવો.
આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેની હિંસા નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય રહ્યો છે, ત્યારે વિશ્વમાં ત્રણ પૈકી એક મહિલા શારીરિક કે જાતિય પ્રકૃતિની હિંસાનો ભોગ બને છે. વિશ્વમાં દર મિનિટે 24 બળાત્કાર થાય છે જેમાં 18 થી 24 વર્ષની મહિલાઓ સૌથી વધુ પોતાના જીવનસાથી દ્વારા હિંસાનો ભોગ બને છે. વૈશ્વિક આંકડા જોઈએ તો દર 10 મિનિટે એક મહિલાની હત્યા થાય છે, દુનિયામાં સાત કરોડથી વધુ મહિલાઓ શારીરિક હિંસાનો દર વર્ષે ભોગ બને છે, જેમાં છોકરીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે .
વિશ્ર્વભરમાં પુરૂષની સમોવડી બનીને આજની મહિલાઓ વિકાસના ડગલા માંગી રહી છે, ત્યારે મહિલાઓની ભેદભાવ સાથે તેમના પર થતાં અત્યાચારોમાં અફઘાનિસ્તાન, સીરીયા, સોમાલિયા, સાઉદી અરબ, ભારત જેવા દેશોમાં મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહે છે. આ આગ કયારે બુજાશે, પુરૂષના સામે ધટતી સ્ત્રીઓની સંખ્યા ભારતની મોટી સમસ્યા છે. પુરૂષ પ્રધાન ભારત દેશમાં અત્યાચારો, બળાત્કારો અપહરણ, નાની બાળાઓ ઉપર દુષ્કર્મ, દહેજ માંગણી લીંગ ભેદના અત્યાચારો વિગેરે સમસ્યાઓ મહિલાઓ સહન કરતી આવી છે.
વિશ્ર્વની પ્રગતિમાં છોકરીઓનો સક્રિય ભાગ બજાવવો જરુરી છે. મહિલાઓના અધિકારો, સલામતી, શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામગીરી કરવાની જરુર છે. આ વર્ષની ઉજવણી થીમમાં પણ “માફ નહીં, મહિલાઓ સામેની હિંસાનો અંત લાવવા સૌ એક જૂટ થાઓ”ની વાત કરી છે. દેશમાં લગભગ બધા જ પરિવારો પુત્ર કરતાં પુત્રીને ઓછી સવલતો આપે છે, જેન્ડર બાયસની મોટી સમસ્યા છે. ર1મી સદીમાં પણ મહિલાઓ ઉપર એસિડ ફેકવાની બળાત્કાર કે દુષ્કમોના બનાવો બની રહ્યા છે, જે સમાજ માટે શરમજનક ઘટના છે. વિશ્ર્વભરમાં 1995 થી આ વિષયક કાર્યોમાં સૌ દેશોએ કાર્ય કરવા આલબેલ જગાવી પણ આજે ર9 વર્ષે ધાર્યા પરિણામો મળ્યા નથી.
જાનવરો શિકાર પણ ન કરે તેવી રીતે દિકરીઓને પીંખી નાંખતા નરાધમો, ગેંગ રેપ બાદ સગીરાને જીવતી સળગાવવી દે જેવી વિવિધ ઘટનાઓ આપણે અખબારો કે ટીવી સમાચારોમાં જોઇ છીએ ત્યારે હ્રદય ઉકળી જાય છે. નિર્ભયા ગેંગ રેપ બાદ ફરી એકવાર એવું પ્રતિત થવા લાગ્યું છે કે આપણાં દેશમાં મહિલાઓની સુરક્ષા કેટલી ? પ્રશ્ર્ન ચિંતા અને ચિંતનનો છે.
આજે મહિલા સશકિતકરણના વિવિધ સરકારી પગલાથી મહિલાઓ ક્રિકેટ, ઓલ્મ્પિીક, પાયલોટ જેવા વિવિધ ક્ષેત્રોમાં પુરૂષોની સમોવડી બની રહી છે, ત્યારે આવી ઘટના બનતા ફરી ચિંતા થવા લાગે છે. છેલ્લા નવ વર્ષમાં મહિલાઓ ઉપર અત્યાચારો સતત સામે આવી રહ્યા છે. ત્યારે સૌએ હવે જાગવાની જરુરી છે. સરકાર તેના અથાગ પ્રયત્નો કરે છે પણ બદલાવ તો આપણે જ લાવવો પડશે.
મહિલાઓએ અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત હવે બનાવવી જ પડશે. મોટેથી રાડ પાડતા શીખવું પડશે, સાથે પ્રતિકાર કરતાં શીખીને સ્વરક્ષણ હવે જાતે જ કરવું પડે તેવો સમય આવી ગયો છે. આજે પણ દેશમાં એક અંદાજ મુજબ દર ચાર કલાકે એક મહિલા બળાત્કારનો ભોગ બને છે. મહિલાઓની તસ્કરીના મામલામાં લિબીયા, મ્યાનમાર સાથે આપણા દેશનું નામ પણ ઉપર છે. અમેરીકા જેવા દેશોમાં પણ આવા બનાવો જોવા મળતા હોય ત્યારે આપણા જેવા દેશોમાંની વાત શું કરવી, આજે તો મહિલાઓ જાતીય સતામણી વિશે સોશ્યિલ મીડિયામાં પણ લખી રહી છે.
કામની જગ્યાએ મહિલાની કનડગત, પરવાનગી વગર સ્પર્શ જેવી ઘટના સાથે પરાણે શારિરિક સંબંધ જેવા બનાવો સામે મહિલાનો અને સમાજે અવાજ ઉઠાવવો જ પડશે. આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ પણ તેના માનવીય અધિકારો સાથે તેના રક્ષણ, માન, સન્માન બાબતે કેટલા જાગૃત છીએ તે પ્રશ્ર્ન આપણે આપણા દિલને પુછવાની જરુર છે. સામાજીક કલંક , બદનામી જેવા વિવિધ કારણોથી કોઇ ફરીયાદ કરતું ન હોવાથી અપરાધીઓની હિંમત વધી જાય છે. કામના સ્થળે આ પ્રકારના ગુના વધુ બને છે. 19961માં દહેજ વિરોધી કાયદો બનાવ્યો પણ આજે પણ તેની ઘટના બને છે. 1980ની વિવિધ ઘટના બાદ 1985માં કાયદો કડક પણ કર્યો હતો. બાળલગ્ન, ધરેલું હિંસા, દેહ વ્યાપાર જેવી ઘણી સમસ્યાઓ વચ્ચે મહિલાઓ જીવન જીવી રહી છે.
ગ્રામીય વિસ્તારોમાં મહિલાઓ અને છોકરીઓ પોષણ ભેદભાવનો ભોગ બને છે. માતૃત્વ સમયે થતા મૃત્યુમાં ભારત વિશ્ર્વમાં ત્રીજા ક્રમે છે, આજે અખબારોમાં દરરોજ મહિલાઓ ઉપર થતાં વિવિધ અત્યાચારોના સમાચારો તમને જોવા મળે છે.
મહિલાઓની લાચારી, મજબૂરીનો લાભ લઇને તેના ઉપર જો હુકમી કે અત્યાચારો થઇ રહ્યા છે. ગત 11મીએ આંતરરાષ્ટ્રીય ગર્લ એન્ડ ચાઇલ્ડ દિવસની સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી કરાય હતી. છોકરીઓની પ્રગતિ અને સલામતીને પ્રોત્સાહન આપવા વિવિધ આયોજન પણ યોજાયા, પણ બાકીના 364 દિવસ કોઇ આ વિશે વિચારતું નથી. યુવા છોકરીઓના માનવીય હકો, સ્વતંત્રતા, રક્ષણ જેવા વિવિધ મુદ્દાનો અવાજ ઉડાવવો આજના સમયની તાતી જરુરીયાત છે.
મહિલાઓ અને છોકરીઓ વિશ્ર્વની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેના વિકાસને વેગ આપવો નિર્ણાયક છે. સમગ્ર વિશ્ર્વના લોકોએ યુવાન છોકરીઓ, મહિલાઓને સશક્ત બનાવવા અને તેની યોગ્ય સાર-સંભાળ, કૌશલ્યો આધારિત શિક્ષણ સુવિધા અને સમાન તકો અને લિંગ આધારીત હિંસા અને ભેદભાવથી મુકત વિશ્ર્વ નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ.
મહિલાઓને છોકરા કરતા ડીજીટલ ગેઝેટ ઓછા વાપરવા અપાય છે આજે રપ વર્ષથી ઓછી ઉંમરના 2.2 અબજ લોકો પાસે હજી પણ ઘરે ઇન્ટરનેટ નથી. ડિજિટલ ક્રાંતિ છોકરીઓ વગર શકય નથી. છેલ્લા અઢી દાયકામાં આપણાં દેશે વિશ્ર્વની સાથે ઘણી પ્રગતિ કરી છે. પહેલા કરતાં આજે વાતાવરણ ઘણું સારું છે પણ તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સામેલગીરીથી જ આપણે સાચા વિકાસની ગતિ મેળવીશું. આજે મહિલાઓની સુરક્ષાએ 181 અભયમ હેલ્પલાઇન કાર્યરત છે, ગમે તે સ્થળે ત્વરીત સહાયતા મહિલાઓને મુશ્કેલી સમયે મળે છે. જેનો લાભ લેવા મહિલાઓને સમજ સાથે તેની એપ ફોનમાં ડાઉનલોડ કરી લેવી જરુરી છે. આપણી સમાજ વ્યવસ્થામાં જ છોકરાના વિશેષ મહત્વથી ક્ધયાઓ તરફ ઓછું ઘ્યાન આપવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. આજે ચોરેને ચોકે કે શાળા-કોલેજ કે અન્ય જગ્યાએ આંખ આડા કાન કરીને કંઇ બોલતા નથી પણ હવે સમાજના તમામ વર્ગો જાગશે તો કોઇની હિંમત નથી કે મહિલા સામે આંખ ઊંચી કરીને જોઇ પણ શકે મહિલાઓ સંસાર યાત્રાનું મહત્વનો પાર્ટ હોવાથી તેના રક્ષણની જવાબદારી સમાજની છે. મહિલાઓ મૌન તોડો, અવાજ ઉઠાવો. આજે છોકરીઓ કે મહિલાઓ ઘરેથી નીકળેને તયાંથી બઝારમાં બસમાં, ભીડવાળી જગ્યાએ, શાળા, કોલેજ અંદર કે બહાર ટયુશન કલાસીઝ વિગેરે જગ્યાએ આવન જાવન વખતે રસ્તાઓ પર કે પાસેથી પસાર થતી વખતે થતી શાબ્દિક મુશ્કેલી કે સ્પર્શ કે જાતીય સતામણી જેવી મુશ્કેલી સામે એક જુટ થઇને અવાજ ઉઠાવો હવે મૌન તોડો આવા નરાધમોનો પ્રતિકાર કરો, ઉઘાડા પાડો, ફરીયાદ કરો, તમારે કોઇનાથી ડરવાની જરુર નથી. જો તમે ફરિયાદ કે પ્રતિકાર નહી કરો તેની હિંમત વધી જશે માટે તમારા રક્ષણ માટે પ્રતિકાર કરો, મોટેથી રાડ પાડો સમાજ હવે મોટાભાગનો તમારી મુશ્કેલીમાં તમારી સાથે જ છે. મહિલાઓ સંચાલિત પોલીસ સ્ટેશનો તથા વિવિધ કાયદાઓ ખાસ તમારા રક્ષણ માટે જ બનાવાયા છે. નાની હોય મોટી ઘટના પ્રતિકાર કરો:, વિરોધ કરીને જરુર જણાયતો તેની સામે દોડીને હાથ પણ ઉગામો થોડી સાવચેતી રાખશો તો મોટી આપતિમાંથી બચી શકશો. મહિલા સશકિતકરણની ઘણી યોજના સરકાર ચલાવે છે.