અપક્ષ ઉમેદવાર માવજીભાઇ પટેલ કમળને નડી ગયા: વાવ બેઠક કોંગ્રેસ જાળવી રાખશે
ગુજરાત વિધાનસભાની વાવ બેઠક માટે ગત 13મી નવેમ્બરના રોજ યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત આગળ ચાલી રહ્યા છે. વાવ બેઠક કોંગ્રેસ જાળવી રાખે તેવી શકયતા હાલ દેખાય રહી છે.
વાવ વિધાનસભા બેઠક પર વર્ષ 2022 માં ગેનીબેન ઠાકોર સતત બીજી વખત કોંગ્રેસના પ્રતિક પંજા પરથી ચુંટણી લડી ધારાસભ્ય માટે ચુંટાયા હતા દરમિયાન તાજેતરમાં યોજાયેલી 1પમી લોકસભાની સામાન્ય ચુંંટણીમાં ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચુંટણી લડી ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાય આવતા તેઓએ વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી જાહેર કરવામાં આવી હતી. ગત 13મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું.
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયા જંગ જામ્યો હતો ભાજપે સ્વરુપ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી હતી. પ્રબળ દાવેદાર હોવા છતાં ભાજપે ટિકીટ ન આપતા માવજીભાઇ પટેલે બળવો કર્યો હતો. અને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
માવજીભાઇ ભાજપને પુરે પુરા નડી ગયા છે. તેઓના કારણે વાવ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું ભાજપનું સ્વપ્નનું રોળાઇ રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે વાવ વિધાનસભા બેઠકમાં ત્રણ રાઉન્ડની મત ગણતરી પુરી થ જવા પામી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતને 4558 મતો મળ્યા છે. જયારે ભાજપના ઉમેદવાર સ્વરુપ ઠાકોરને 3689 મતો પ્રાપ્ત થયા છે. અને અપક્ષ ઉમેદવાર માવજીભાઇ પટેલને 1710 મતો મળ્યા છે. ગુલાબસિંહ રાજપુત જીત તરફ આગળ વધી રહ્યાં છે.
વાવ વિધાનસભા બેઠકના પરિણામથી ગુજરાતમાં સત્તાના સમીકરણો પર કોઇ જ પ્રકારની અસર થવાની નથી પરંતુ ભાજપ માટે પેટા ચુંટણીનો આ જંગ પ્રતિષ્ઠાના જંગથી કમ ન હતો. ગુજરાતને કોંગ્રેસ મુકત કરવાનું ભાજપનું સ્વપ્નનું બનાસ કાંઠામાં રોળાયુ છે. છેલ્લી બે ટર્મથી વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી રહ્યા છે. તેઓએ લોકસભાની ચુંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતની તમામ ર6 બેઠકો જીતવાના ભાજપના મનસુખા પર પાણી ફેરવી દીધું હતું.
વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું ભાજપનું સ્વપ્નનું રોળાય ગયું છે. ઉમેદવારની પસંદગી ભાજપને ભારે પડી છે. પ્રબળ દાવેદાર હોવા છતાં માવજી પટેલને બદલે સ્વરુપ ઠાકોરને ટિકીટ આપવાનું ભાજપને નડી રહ્યું છે. માવજીભાઇનો બળવાએ કમળની પથારી ફેરવી દીધી છે. વાવના 3 લાખથી વધુ મતદારોએ ફરી એક વાર કોંગ્રેસને સાથ આપ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પ્રેરિત ગઠબંધનને મળેલી જીતની ભલે ગુજરાતમાં ભાજપના કાર્યકરો વિજયોત્સવ મનાવી રહ્યા હોય પરંતુ વાવ વિધાનસભા બેઠક જીતી ન શકયાનો અફસોસ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહીતના નેતાઓને થઇ રહ્યો હશે.