- 6 ડિસેમ્બરે રાજ્યના તમામ જિલ્લા મથકોમાં વિરોધ પ્રદર્શન
- મહીસાગર કલેકટર નેહાકુમારી દુબેને ફોજદારી કેસનો સામનો કરવો પડશે.
સમગ્ર રાજ્યમાં 150 થી વધુ તાલુકા અને અમદાવાદ શહેરના 25થી વધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર બાબાસાહેબના નિર્વાણ દિને નેહાકુમારીની ધરપકડની માંગ સાથે દલિત – આદિવાસી સમાજ એકઠો થશે.
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી દલિત – આદિવાસી સમાજે મહીસાગર કલેકટર નેહાકુમારી દુબે સામે મોરચો માંડ્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 23 ઓક્ટોબરના રોજ એક દલિત યુવાન તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેકટર સમક્ષ પોતાની અરજી અન્વયે પૂછપરછ કરતા મહીસાગર કલેક્ટર નેહાકુમારી દુબે દ્વારા એની સાથે ઉદ્ધતાઈભર્યું અને જાહેર સેવકને છાજે નહીં તેવું વર્તન કર્યું હતું. આ ઉપરાંત આ કલેક્ટર દ્વારા વકીલોનું પણ અપમાન કરવામાં આવેલું અને દલિતો-આદિવાસીઓ એટ્રોસિટી એક્ટ મુજબના 90 ટકા કેસો બ્લેકમેલ કરવા માટે કરે છે. એવું નિવેદન પણ કરવામાં આવેલ. જેને પગલે સમગ્ર દલિત-આદિવાસી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા નેહા કુમારી દુબે સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
ગઇકાલે સમગ્ર રાજ્યમાં 150થી વધારે તાલુકાના પોલીસ સ્ટેશનમાં તથા અમદાવાદ શહેરના 25 થી વધારે પોલીસ સ્ટેશનમાં મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી દુબે વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અન્વયે લેખિત ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.
વધુમાં આ અંગે કોઈ પગલા ભરવામાં ના આવે તો રાજ્યનો દલિત આદિવાસી સમાજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિને (6 ડિસેમ્બર) રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે મહીસાગરમાં વિશાળ સંમેલન કરવા જઈ રહ્યો છે અને રાજ્યના જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરશે.
વઢવાણના ખેરાળી ગામે રહેતા યુવક સહિત અનુ.જાતિના આગેવાનોએ જોરાવરનગર પોલીસ મથકે અભદ્ર વર્તન કરનાર મહિલા કલેકટર સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની માંગ સાથે લેખીત રજુઆત કરી છે.