ત્રણ તબક્કામાં ઘઉંનું વાવેતર થઈ શકે છે
Junagadh News : સામાન્ય રીતે શિયાળો આવે એટલે ઘઉંનું વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. સૌથી વધુ વાવેતર શિયાળાના સમયમાં ઘઉં પાક કરવામાં આવે છે ત્યારે આ ઘઉં પાકનું વાવેતર ક્યા તબક્કામાં કરવામાં આવતું હોય છે અને જે સમયે ખેડૂતો વાવેતર કરે છે તે તબક્કાને કયા નામથી ઓળખવામાં આવે છે તે વહેલું વાવેતર કર્યું છે સમયસર વાવેતર કર્યું છે કે પછી મોડું વાવેતર કર્યું છે અને જો મોડું વાવેતર કરે અથવા તો વહેલું વાવેતર કરે તો ઉત્પાદનમાં કઈ રીતે ફરક નોંધાતો હોય છે તે સમગ્ર બાબતે જૂનાગઢ સંશોધન કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક અશ્વિન પાનસુરીયા એ માહિતી આપી હતી.
ઘઉંના વાવેતર ના ત્રણ પ્રકાર છે વહેલું વાવેતર સમયસર વાવેતર અને મોડું વાવેતર…
વહેલું વાવેતર :
10 નવેમ્બર પહેલા જે વાવેતર કરવામાં આવે તેને વહેલું વાવેતર કહેવામાં આવે છે. પરંતુ આ સમયગાળામાં ઘણી વખત વાતાવરણમાં ઉષ્ણતાપમાનનું પ્રમાણ વધારે હોય છે. તો ઘણી વખત શરૂઆતમાં ઉગાવો તો સારો થાય પરંતુ સમય જતાં છોડનો વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ તે ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાય છે. આ સમયગાળામાં કુલ વાવેતરનું 18% ઉત્પાદન નોંધાય છે. પરંતુ જો વહેલું વાવેતર કરવું જ છે તો મધ્યમ મોડી પાકતી અથવા મોડી પાકતી જાતનું વાવેતર કરવામાં આવે તો વધારે ઉત્પાદન મળી શકે છે. જેમાં GJW 463 , જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેલી વાવણી માટે ભલામણ કરેલી છે. આ સાથે લોકવન, GW 496 (ટુકડા) , આ સાથે મોડી પાકતી જાતમાં GW 190 પણ હતી જેનું બિયારણ મળે તો તે પણ વાવેતર કરી શકાય.
સમયસર વાવેતર
10 થી 25 નવેમ્બર વચ્ચેનો સમય એ સમયસર વાવણી માટેનો સમય છે. જેમાં ખાસ કરીને વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. જેનાથી વધુને વધુ ઉત્પાદન મળવાની સંભાવના રહેલી છે. સમયસરના વાવેતર માટે નવેમ્બરનો મધ્યભાગ પસંદ કરવો હિતાવહ રહે છે. એ માટે હવે આવેલી નવી જાત : GW 513 , GW451 , GJW463 ,GW547… જુની જાત : લોકવન, GW 496 (ટુકડા) , GW 366 , BBW110 ,HI1634 આ જાતનો વાવેતરમાં સમાવેશ કરી શકાય.
મોડું વાવેતર
અમુક વખતે ખેડૂતો કપાસ બાદ ઘઉંનું વાવેતર કરવા માટે મોડા પડતા હોય છે ત્યારે આ વાવણીને મોડું વાવેતર કહેવામાં આવે છે. આ સમયમાં જો વાવેતર કરવામાં નક્કી કરવામાં આવે તો વહેલી પાકતી જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.GW 173 , જે સૌથી જૂની જાત છે અને બધાથી વહેલી પાકે છે. આ સિવાય GW 499 , GW 11, MP3288 , RAJ4238 આ જાતનું વાવેતર કરવામાં આવે તો તેનું ઉત્પાદન સારું અને વહેલું મળે છે.
મોડી વાવણી કર્યા બાદ મોડી પાકતી જાત જો વાવવામાં આવે તો અમુક વખતે એવું થાય કે શિયાળો ટૂંકાઇ જાય અને ગરમીની સિઝન શરૂ થઈ જાય તો જ્યારે દાણા ભરાવવાનો સમય આવે જ્યારે ગરમીને લીધે દાણા ચીમળાઈ જાય છે. અને ઉત્પાદન ઓછું મળે છે. એટલે જો મોડું વાવેતર કરવાનું થાય તો વહેલી પાકતી જાતની પસંદગી કરવી હિતાવહ રહે છે.
આમ હવે અમુક ખેડૂતો ડિસેમ્બરમાં પણ વાવેતર કરશે અને અમુક ખેડૂતોએ દિવાળી પહેલા વહેલું વાવેતર કરી લીધું છે ત્યારે અનુરૂપ જાતની પસંદગી કરી અને જો વાવેતર કરવામાં આવ્યું હોય તો ખેડૂતોને તેનો ખૂબ સારો એવો ફાયદો મળી શકે છે. ઘણી વખત જુદી જાત પસંદ કરવાથી પણ વાવેતરમાં ઘટાડો નોંધાતો હોય છે. પરંતુ વાવેતર કરતી સમયે કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી તે પણ હિતાવહ છે
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ