વલસાડ પારડી ખાતે “ પા પા પગલી “ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો “વાલીઓ સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્વળ ભવિષ્ય માટે વાલીઓ સાથે સંવાદોત્સવ ખુબ જ જરૂરી છે. જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા થઈ રહી છે. વેસ્ટમાંથી બેસ્ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી તેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી’’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળો-2024 યોજાયો હતો.
મોટીવેશનલ સ્પીકર ગૌરાંગ પટેલે જિલ્લાનાં વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટેના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીનાં 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” રૂપે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળાનાં કાર્યક્રમમાં વલસાડ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજના પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્યક્ષ દિવ્યા પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શૈલેશ પટેલ, મોટીવેશનલ સ્પીકર ગૌરાંગ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાંઓનાં જીવનમાં મહત્વના અને અમૂલ્ય એવા જીવન ઘડતરના પાયાના વર્ષોમાં ગુણવતાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી આંતરિક શકિતઓને બહાર લાવી તેમને સક્ષમ સાહસિક બનાવવા માટે આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો અને “ પા પા પગલી” યોજના અંતર્ગત કાર્યરત પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટરોને વિશેષ ફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્વળ ભવિષ્ય માટે વાલીઓ સાથે સંવાદોત્સવ ખુબ જ જરૂરી છે.
મોટીવેશનલ વક્તા ગૌરાંગ પટેલ દ્વારા ખૂબ જ સરસ અને જાગૃતિસભર સંવાદ સાધી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દરેક પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને તેમનું શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો જેમાં વલસાડ ઘટક-2 પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-1 દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-2 તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર રૂપાલી પાટીલ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નીલમબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.