- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે
- 60 હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 એમ.સી.એફ.ટી. મળી કુલ 30,504 એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ 15મી માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.
નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.