- ભારતીય કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: સાત અધિકારીઓની ધરપકડ
ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપ તેમની કંપનીના રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો છે. તેમના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર અથવા લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે. અમેરિકામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને બુધવારે આ મામલે ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કાબનેસ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરે સાત અન્ય પ્રતિવાદીઓ સાથે તેમની રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે 265 મિલિયન ડોલરની લાંચ ચૂકવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલો અબજો ડોલરના નફા સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં 2 બિલિયન ડોલરથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. આરોપ છે કે આ લાંચ 2020 થી 2024 વચ્ચે અધિકારીઓને આપવામાં આવી હતી.સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નફા માટે અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારો અને બેન્કો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. ફરિયાદીઓએ એવો પણ દાવો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ, ભૂતપૂર્વ સીઈઓ વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છૂપાવીને 3 બિલિયન ડોલરથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા. નોંધનીય છે કે વિનીત જૈન 2020 થી 2023 સુધી કંપનીના સીઈઓ હતા.
આજે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો નોંધાયો હતો.અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂપિયા,એસીસીનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
- અદાણી ઇફેકટ્સ: શેરબજાર ફરી ધડામ
- સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા: અદાણી ગ્રુપની તમામ કંપનીના શેરોના ભાવ તુટયા
અદાણી વિરૂઘ્ધ અમેરિકામાં લાંચ લીધાનો અને છેતરપીંડી કર્યાનો કેસ દાખલ કરવામાં આવતા અને અદાણી ગ્રુપની કંપનીઓના સાત અધિકારીઓની ધરપકડ કરવામાં આવતા આજે ભારતીય શેર બજારમાં મંદીનું મહા મોજુ ફરી વળ્યું હતું. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપ પ્રેરિત ગઠબંધનની સરકાર બની રહ્યાના અહેવાલ તમામ ઓપિનિયમ પોલમાં આવ્યા બાદ રોકાણકારો એવું માનતા હતા કે આજે શેરબજારમાં તેજી જોવા મળશે જો કે અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો કેસ દાખલ થતા શેર બજાર તુટયું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીના મતદાનના કારણે ગઇકાલે બુધવારે શેરબજાર બંધ રહ્યું હતું. આજે શેર બજાર ખુલતાની સાથે જ ધડામ થઇ ગયું હતું. અદાણી સામે અમેરિકામાં કેસ દાખલ કરવામાં આવતા શેર બજાર ઉંધા માથે પટકાયું હતું. સેન્સેકસે ઇન્ફાડેમાં 77 હજારની સપાટી તોડી હતી. સેન્સેકસ આજે 76802.73 ના લેવલ સુધી સરકી ગયો હતો. થોડી રિકવરી આવતા ફરી સેન્સેકસ 77711.11 સુધી આવ્યો હતો.
નિફટીએ પણ આજે 23500 પોઇન્ટનું લેવલ તોડયું હતું. અને 23263.15 સુધી નીચે સરકી જવા પામી હતી. ઉપલુ લેવલ 23507.30 રહેવા પામી હતી. બેન્ક નિફટી અને નિફટી મીડકેપ-100 માં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા. આજે મંદીના માહોલમાં ઇન્ડિયન હોટલ્સ, પેટ્રોનેટ એલએનજી, એલકેમ લેબ, નાલ્કો, એચડીએફસી બેન્ક સહીતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે એસબીઆઇ, રિલાયન્સ, અંબુજા સિમેન્ટ, વોડાફોન આઇડિયા, પી.એમબી, કેનેરા બેંક, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓના શેરોના ભાવ તુટયા હતા. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના ભાવમાં કડાકો બોલી ગયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 532 પોઇન્ટના ધટાડા સાથે 77042 અને નિફટી 198 પોઇન્ટના ધટાડા સાથે 23350 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. બેન્ક નીફટીમાં 590 અને નિફટી મીડકેપ – 100 માં 460 પોઇન્ટનો ધટાડો જોવા મળી રહ્યા છે. આજે બુલિયન બજારમાં તેજી છે.